Modi 3.0: કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ?, જેપી નડ્ડાની જગ્યાએ આ નામોની થઈ રહી છે ચર્ચા
18મી લોકસભા ચૂંટણીમાં NDAની બહુમતિ બાદ ભાજપ નેતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. આજે

18મી લોકસભા ચૂંટણીમાં NDAની બહુમતિ બાદ ભાજપ નેતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. આજે તેમણે વડાપ્રધાનનો પદભાર સંભાળી લીધો છે. રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદી સાથે 30 કેબિનેટ મંત્રી, 5 રાજ્યમંત્રી( સ્વતંત્ર પ્રભાર) અને 36 નેતાઓએ રાજ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ કેબિનેટમાં સમાવેશ કરાયો છે. જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી પદના શપથ લેતાં રાજકીય ગલિયારોમાં ચર્ચા છેડાઈ છે કે હવે ભાજપની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે.
સંગઠનમાં સંઘની સક્રિયતા વધશે
2024ના પ્રારંભથી જ લોકસભાચૂંટણીની તૈયારીઓ આરંભી દેનાર ભાજપે 370 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ભાજપ 272ના બહુમત આંકડા સુધી પહોંચવામાં પણ સફળ થઈ નથી. ભાજપને ગત લોકસભા કરતાં પણ 60 જેટલી ઓછી સીટો મળતાં હવે સંઘ પણ સક્રિય થયું છે. પાર્ટીને નવું બળ પૂરવા સંઘ પણ સંગઠન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. અને જે પણ નવા અધ્યક્ષ બનશે તે સંઘની સંપૂર્ણ સંમતિથી જ કરશે. કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઘણા લોકોને આ વખતે નવી સરકારમાં સ્થાન મળ્યું નથી. એવું માનવામાં આવે છે કે આવા લોકોને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગત સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહેલા અનુરાગ ઠાકુરને આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ ન થતાં તેમને સંગઠનમાં મોટી જવાબદારી આપી શકે છે. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓ હવે સંગઠનમાં કામ કરતા જોવા મળી શકે છે.
આ બંને નેતાઓના નામ સૌથી આગળ
મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સ્થાન મળતાં અને તેમનો કાર્યકાળ પણ પૂરો થવા આવી રહ્યો છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે બે નામની અટકળો ચાલી રહી છે. મહાસચિવ વિનોદ તાવડે અને સુનીલ બંસલ. મૂળ મહારાષ્ટ્રના અને બિહારના પ્રભારી મહાસચિવ વિનોદ તાવડે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશતા પહેલા રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. પક્ષ દ્વારા ચલાવવામાં આવતા વિશેષ અભિયાનો અને જનસંપર્ક કાર્યક્રમો થકી તાવડેએ ટૂંકા ગાળામાં આગવી ઓળખ મેળવી છે.
જણાવી દઈએ કે વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં અમિત શાહની જગ્યાએ જેપી નડ્ડાએ ભાજપનું પાર્ટી અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. આ મહિને તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ભાજપ અને સંઘ હંમેશા ચોંકાવનારા નિર્ણયો લેતા હોઈ કોઈક નવા નામ પર પણ મહોર લાગી શકે છે.






