જાણો કોણ છે 'કેશ ફોર વોટ કાંડ'માં ઘેરાયેલા મોદી-અમિત શાહના વિશ્વાસુ વિનોદ તાવડે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રિઝવવા માટે પૈસા વહેંચ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રિઝવવા માટે પૈસા વહેંચવાનો આરોપ લાગતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષીદળોએ આ મામલે ભાજપને બરાબરની ઘેરી છે. બીજી તરફ ચૂંટણી પંચે એફઆઈઆર પણ દાખલ કરી છે.
છેલ્લા બે વર્ષમાં તાવડે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી છે. ટીવી ચેનલો પર ભાજપના અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેમની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસુ નેતાઓમાં થાય છે.
વિનોદ તાવડેનો જન્મ 20 જુલાઈ, 1963ના રોજ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. વિનોદ તાવડેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મુંબઈમાં એબીવીપીના વડા હતા અને આ દરમિયાન તેમણે તમામ જવાબદારીઓ નિભાવી અને સંગઠનને પણ મજબૂત કર્યું.
1999માં વિનોદ તાવડે મુંબઈ ભાજપના સૌથી યુવા પ્રમુખ બન્યા
વિનોદ તાવડેને 1995માં પાર્ટીના મહારાષ્ટ્ર યુનિટના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. 1999માં વિનોદ તાવડે મુંબઈ ભાજપના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 2002માં તેમને ફરીથી મહારાષ્ટ્રમાં પાર્ટીના મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી અને તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા. 2008માં ભાજપે તેમને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદના સભ્ય બનાવ્યા.
2014માં ફડણવીસ સરકારમાં મંત્રી બન્યા
2014ની વિધાનસભા ચૂંટણીમાં વિનોદ તાવડે બોરીવલી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા અને તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન મિલ કામદારો અને ખેડૂતો માટે લડ્યા હતા. મહારાષ્ટ્રમાં કૃષિ માટે અલગ બજેટની માંગણી કરનારા નેતાઓમાં વિનોદ તાવડેનું નામ લેવામાં આવે છે.
ભાજપે મોટી જવાબદારીઓ સોંપી
ભાજપે વિનોદ તાવડેને બિહાર જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યના પ્રભારી પણ બનાવ્યા. આ સિવાય હરિયાણાના પ્રભારી પણ રહી ચૂક્યા છે. ભાજપે 2019ની વિધાનસભા ચૂંટણીમાં વિનોદ તાવડેની ટિકિટ રદ કરી દીધી હતી, પરંતુ તે પછી પણ તેમણે પાર્ટી સંગઠન માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.








