કોણ છે પર્શિયાથી આવેલા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, અજમેર શરીફ દરગાહની થઈ રહી છે ચર્ચા
યુપીના સંભલમાં સર્વેને લીધે ચર્ચામાં રહેલી જામા મસ્જિદ બાદ હવે રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇન

યુપીના સંભલમાં સર્વેને લીધે ચર્ચામાં રહેલી જામા મસ્જિદ બાદ હવે રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પણ સમાચારોમાં છે. જામા મસ્જિદ બાદ હવે અજમેરની દરગાહના સર્વેનો આદેશ આપવામાં આવી શકે છે. કારણ કે રાજસ્થાનની એક નીચલી અદાલતે અજમેર શરીફમાં આવેલી દરગાહને હિંદુ મંદિર તરીકે જાહેર કરવાની અરજીની સુનાવણી માટે સ્વીકારી છે.
હિન્દુ સેનાધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અરજી કરીને દાવો કર્યો છે કે, અગાઉ દરગાહની જગ્યા પર શિવ મંદિર હતું. કોણ હતા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, જે પર્શિયા (ઈરાન)થી ભારત આવ્યા હતા. જેમની આ દરગાહ છે.
ઈન્ડો-ઈસ્લામિક સ્થાપત્યનું અદ્ભુત ઉદાહરણ
13મી સદીમાં ભારતીય ઉપખંડમાં આવેલા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વાસ્તવમાં પર્શિયન મૂળના સુન્ની મુસ્લિમ ફિલસૂફ અને વિદ્વાન હતા. તે ગરીબ નવાઝ અને સુલતાન-એ-હિંદ તરીકે પણ જાણીતા હતા. અજમેરમાં આવેલી તેમની ખાનકાહને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ કહેવામાં આવે છે, જે ઈન્ડો-ઈસ્લામિક સ્થાપત્યનું અદ્ભુત ઉદાહરણ છે.
વ્યવસાય છોડીને આધ્યાત્મિક જીવન અપનાવ્યું
સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનો જન્મ ઈ.સ. 1143માં ઈરાન (પર્શિયા)ના સિસ્તાન વિસ્તારમાં થયો હતો. અત્યારે આ વિસ્તાર ઈરાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલો છે. કહેવાય છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના પિતાનો બિઝનેસ સારો હતો, પરંતુ તેમને આધ્યાત્મિકતામાં વધુ રસ હોઈ વ્યવસાય છોડીને આધ્યાત્મિક જીવન અપનાવ્યું.
મુલતાન થઈને ભારત આવ્યા હતા
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ સાંસારિક મોહમાયા ત્યાગ કરીને આધ્યાત્મિક યાત્રાએ નીકળ્યા. આ દરમિયાન તેઓ પ્રખ્યાત સંત હઝરત ખ્વાજા ઉસ્માન હારુનીને મળ્યા. હઝરત ખ્વાજા ઉસ્માન હારુનીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારીને દીક્ષા આપી હતી. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ 52 વર્ષની વયે શેખ ઉસ્માન પાસેથી ખિલાફત મેળવી હતી. આ પછી તેઓ હજ પર મક્કા અને મદીના ગયા. ત્યાંથી તે મુલતાન થઈને ભારત આવ્યા હતા.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરને પોતાની કર્મભૂમિ બનાવી
ભારતમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરને પોતાની કર્મભૂમિ બનાવી ઉપદેશ આપવા લાગ્યા. મુઇઝુદ્દીન મુહમ્મદ બિન સામ (મુહમ્મદ ઘોરી) એ પૃથ્વીરાજ ચૌહાણને તેરાઈનની બીજી લડાઈમાં હરાવીને દિલ્હી પર પોતાનું શાસન સ્થાપ્યું હતું. આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના જ્ઞાનોપદેશો ટૂંક સમયમાં સ્થાનિક લોકો તેમજ રાજાઓ, ઉમરાવો તેમજ ખેડૂતો અને દૂરના વિસ્તારોમાં ગરીબોને આકર્ષવા લાગ્યા.
હુમાયુએ દરગાહ બનાવી હતી
ઈ.સ. 1236માં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના મૃત્યુ બાદ તેમને અજમેરમાં જ દફનાવવામાં આવ્યા હતા. મુઘલ સમ્રાટ હુમાયુએ ત્યાં કબર બનાવી હતી. આજે તેમની એ જ કબર એટલે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અજમેર શરીફની દરગાહના નામથી પ્રખ્યાત છે. આ દરગાહ ખ્વાજાના અનુયાયીઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
વડોદરાના તત્કાલિન મહારાજાએ સુંદર આવરણ બનાવ્યું
દરગાહ શરીફ ઉપર વડોદરાના તત્કાલિન મહારાજાએ સુંદર આવરણ બનાવ્યું હતું. બાદમાં મુઘલ શાસકો જહાંગીર, શાહજહાં અને જહાંઆરાએ તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઈતિહાસકારો કહે છે કે, મુહમ્મદ બિન તુઘલક, હુમાયુ, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં અને દારા શિકોહથી લઈને ઔરંગઝેબ જેવા શાસકોએ આ દરગાહની જિયારત કરી હતી.
દરગાહ પર ઉર્સ ઉજવવામાં આવે છે
દર વર્ષે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિ પર દરગાહ પર ઉર્સ ઉજવવામાં આવે છે. આમાં, પુણ્યતિથિ પર શોકને બદલે, ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ખ્વાજાના અનુયાયીઓ માને છે કે આ દિવસે મુર્શીદ (શિષ્ય) તેમના ઉપરી એટલે કે ખુદા સાથે ફરી જોડાય છે.
એવું કહેવાય છે કે મોહમ્મદ ઘોરીની જીત બાદ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ પોતે તેમની પાસેથી કોઈપણ પ્રકારની ભેટ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.








