‘દેશની સંપત્તિ પર કોનો અંકુશ?’, કોંગ્રેસ ચૂંટણી જીતશે તો કરાવશે પ્રોપર્ટી સર્વે : રાહુલ ગાંધીનો દાવો
લોકસભા ચૂંટણી માટે મતદાનની તા

લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ પક્ષોએ પ્રચાર કાર્ય તેજ કરી દીધું છે. તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડથી પાર્ટીના ઉમેદવાર રાહુલ ગાંધીએ વસ્તી પ્રમાણે અધિકારો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો અમે સરકાર બનાવવામાં સફળ રહીશું તો અમે નાણાકીય અને સંસ્થાકીય સર્વે હાથ ધરીશું અને જાણીશું કે દેશની મોટાભાગની સંપત્તિ પર કોનો અંકુશ છે. આ પછી, મિલકત તેના અસલી હકદારોને વહેંચવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે રેલીમાં વચન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દરેક ક્ષેત્રમાં દરેક સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
તેલંગાણાના તુક્કુગુડામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તેના ચૂંટણી ઢંઢેરા મુજબ વસ્તી પ્રમાણે અધિકારોના સિદ્ધાંત પર ભાર મૂકશે. તેમણે કહ્યું કે જો અમારી સરકાર સત્તામાં આવશે, તો અમે સૌથી પહેલા પછાત જાતિઓ, એસસી, એસટી, લઘુમતી અને અન્ય જાતિઓની ચોક્કસ વસ્તી અને સ્થિતિ જાણવા માટે જાતિ ગણતરી કરીશું. તે પછી, નાણાકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ શરૂ થશે.
કોંગ્રેસ કરશે ઐતિહાસિક કામ
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશની સંપત્તિ, નોકરીઓ અને અન્ય કલ્યાણકારી યોજનાઓને સમુદાયની વસ્તીના આધારે વહેંચવાનું ઐતિહાસિક કામ કરશે. રાહુલે દાવો કર્યો હતો કે પછાત જાતિઓ, દલિતો, લઘુમતી અને આદિવાસીઓ ભારતની લગભગ 90% વસ્તી ધરાવે છે, પરંતુ સરકારી નોકરીઓ, મોટી કંપનીઓ અને અન્ય ક્ષેત્રોમાં તેમનો હિસ્સો ઘણો ઓછો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કડવું સત્ય એ છે કે દેશની 90% વસ્તીની સરકારી નિર્ણયો લેવામાં કોઈ ભાગીદારી નથી. દેશનું સંચાલન કરતા કુલ 90 IAS અધિકારીઓમાંથી માત્ર એક આદિવાસી અને ત્રણ દલિત છે.
તુક્કુગુડા એ જ જગ્યા છે જ્યાં ગયા વર્ષે તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ પાર્ટીની ‘છ ગેરંટી’ લોન્ચ કરી હતી. તેલંગાણા ચૂંટણીમાં કોંગ્રેસે કેસીઆરને સત્તા પરથી હટાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. રાહુલે કહ્યું કે ભાજપ નફરત ફેલાવી રહી છે અને ત્રીજી વખત સત્તામાં આવવા માટે દેશના ભાગલા પાડવા માંગે છે.








