ઇરાન-ઇઝરાયેલ હુમલાની ભારત પર શું અસર થશે? આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી
ઇરાને મંગળવાર રાત્રે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે જેને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો ઉભો થયો છે. આ પ

ઇરાને મંગળવાર રાત્રે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે જેને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો ઉભો થયો છે. આ પહેલા ઇઝરાયેલ હુમલામાં પહેલા ઇરાન સમર્થિત લેબનોન સંગઠન હિજબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ માર્યો ગયો હતો. હવે જવાબી કાર્યવાહીમાં ઇરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. તેલ ઉત્પાદક દેશ ઇરાનના યુદ્ધમાં સામેલ થવાથી કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.તેલની કિંમતમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
ભારત પર શું અસર થશે?
ભારતની અર્થવ્યવસ્થા મોટાભાગે ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે.ભારત ક્રૂડ તેલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની તેલની જરૂરિયાતના 85 ટકાથી વધુ આયાત કરે છે.આવી સ્થિતિમાં તેલની વધતી કિંમતોની અસર ભારત પર પણ જોવા મળી શકે છે.
ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો અમુક હિસ્સો પણ ઈરાન પાસેથી ખરીદે છે. જોકે, ઈરાન પર અમેરિકી પ્રતિબંધો વચ્ચે ભારતની ઈરાન પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થયો છે. ભારતે નાણાકીય વર્ષ 2014-15માં ઈરાન પાસેથી $4 બિલિયનથી વધુનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, તે 2019-20માં ઘટીને માત્ર $1.4 બિલિયન થઈ ગયું હતું.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારતનું બજેટ તો બગાડી શકે છે સાથે જ અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી રૂપિયા પર પણ દબાણ આવી શકે છે અને વિદેશી મૂડી પ્રવાહ પર નકારાત્મક અસર પડી શકે છે.
ભારત ઈરાન પાસેથી માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં પરંતુ ડ્રાય ફ્રૂટ્સ, કેમિકલ અને કાચના વાસણો પણ ખરીદે છે. ઈરાનના ઈઝરાયેલ પરના હુમલાથી સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે, જેની અસર વેપાર પર પણ પડશે.
ઇઝરાયેલ-ભારત વચ્ચે કેવો છે વ્યવહાર?
ભારતમાંથી ઇઝરાયેલમાં નિકાસ કરવામાં આવતી સૌથી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં ડીઝલ, હીરા, એવિએશન ટર્બાઇન ઇંધણ, રડાર સાધનો, બાસમતી ચોખા, ટી-શર્ટ અને ઘઉંનો સમાવેશ થાય છે. 2022-23 દરમિયાન કુલ નિકાસમાં બે કોમોડિટીઝ ડીઝલ અને હીરાનો હિસ્સો 78 ટકા હતો. ભારતે અવકાશના ઉપકરણ, પોટેશિયમ ક્લોરાઇડ, મિકેનિકલ એપ્લાયન્સ, થ્રસ્ટના ટર્બો જેટ અને પ્રિન્ટેડ સર્કિટ જેવી વસ્તુઓની આયાત કરી હતી.
વિદેશ મંત્રીએ શું કહ્યું?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને લઈને અત્યંત ચિંતિત છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધનું જોખમ વધી ગયું છે. તેમણે કહ્યું કે ભારત ચર્ચા અને કૂટનીતિ દ્વારા આ ક્ષેત્રના મુદ્દાઓને ઉકેલવાનો એક ભાગ બની શકે છે.








