મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

40 વર્ગખંડો, 2 મોટા ઓડિટોરિયમ..., નાલંદા યુનિર્વસિટીના નવા કેમ્પસમાં શું છે ખાસ સુવિધાઓ?

પીએમ મોદીએ આજે બિહારના રાજગીરમાં નાંલદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

40 વર્ગખંડો, 2 મોટા ઓડિટોરિયમ..., નાલંદા યુનિર્વસિટીના નવા કેમ્પસમાં શું છે ખાસ સુવિધાઓ?

પીએમ મોદીએ આજે બિહારના રાજગીરમાં નાંલદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂત શામેલ થયા હતા. આ નવા બનેલા કેમ્પસમાં શું ખાસ સુવિધાઓ છે તે જાણવાનું દરેકને મન થાય. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામનું સ્વપ્ન નાલંદા યુનિવર્સિટી હવે સાકાર થઈ રહ્યું છે. 

યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના ઐતિહાસિક પ્રાચીન અવશેષોની નજીક છે. નાલંદા એક સમયે વિશ્વનું શિક્ષણનું કેન્દ્ર હતું. 1,600 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવથી આ નાલંદા યુનિવર્સિટીમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા આક્રમણકારોએ તેનો નાશ કર્યો. હવે 815 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ તે ફરીથી તેના જૂના સ્વરૂપમાં પાછી આવી રહી છે.

વિદ્યાર્થીઓને શું સુવિધાઓ મળશે?

હવે સૌથી મોટી વાત એ છે કે આ નાલંદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સુવિધાઓ મળશે. નાલંદા યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓસ, મોરેશિયસ સહિત 17 દેશોની ભાગીદારી છે. આ ઉપરાંત આગામી સત્રમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓએ પીએચડીમાં પ્રવેશ માટે અરજી કરી છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે નાલંદા યુનિવર્સિટીમાં લગભગ 137 પ્રકારની શિષ્યવૃત્તિઓ રાખવામાં આવી છે. ફિલોસોફી, હિસ્ટ્રી અને મેનેજમેન્ટના અભ્યાસ માટે અલગ-અલગ સ્કૂલોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

નાલંદા યુનિવર્સિટીમાં બે શૈક્ષણિક બ્લોક બનાવવામાં આવ્યા છે. જેમાં 40 જેટલા વર્ગખંડો તૈયાર કરાયા છે. જેમાં 1900થી વધુ બાળકોને બેસવાની સુવિધા છે. યુનિવર્સિટીમાં 300 વિદ્યાર્થીઓ બેસી શકે તેવા બે ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એક એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં બે હજારથી વધુ લોકો બેસી શકે છે. વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યા છે. નાલંદા યુનિવર્સિટી કેમ્પસ નેટ ઝીરો કેમ્પસ છે. જો સરળ શબ્દોમાં કહીએ તો અહીં પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓ અને અભ્યાસ થશે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટે પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.  

ઇતિહાસ ઘણો જૂનો છે

આ યુનિવર્સિટીનો ઈતિહાસ આજકાલનો નથી. નાલંદા યુનિવર્સિટીની સ્થાપના લગભગ 1,600 વર્ષ પહેલાં પાંચમી સદીમાં થઈ હતી. દેશમાં જ્યારે યુનિવર્સિટી બનાવવામાં આવી ત્યારે તે વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અહીં એક સાથે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 1,500થી વધુ શિક્ષકો તેમને ભણાવતા હતા. નાલંદા યુનિવર્સિટી વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી હોવાનું કહેવાય છે.

આ સમાચાર શેર કરો