કંગના રનૌત વિરૂદ્ધ મંડીથી લોકસભા ચૂંટણી લડશે વિક્રમાદિત્ય, હિમાચલના કોંગ્રેસ અધ્યક્ષની જાહેરાત
લોકસભા ચૂંટણીમાં મંડીથી કોંગ્રેસ તરફથી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ

લોકસભા ચૂંટણીમાં મંડીથી કોંગ્રેસ તરફથી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે તેની જાહેરાત કરી છે. પાર્ટી તરફથી ઓફિશિયલ રીતે જોકે, જાહેરાત થવાની બાકી છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પણ તેના સંકેત આપ્યા છે. હિમાચલના મુખ્યમંત્રીએ કહ્યું કે મંડીથી અમને યુવા નેતા મળશે તે નક્કી છે. બીજી તરફ પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને સશક્ત કેન્ડિડેટ માનવામાં આવ્યા છે. વર્તમાનમાં પ્રતિભા સિંહ જ આ બેઠક પર સાંસદ છે.
પ્રતિભા સિંહે કહ્યું, “અમને આ વાતનો કોઇ ફરક પડતો નથી કે કંગના શું કરી રહી છે અને શું બોલી રહી છે. મંડીના લોકો હંમેશા અમારી સાથે રહ્યાં છે, મે કઠિન પરિસ્થિતિમાં પણ આ બેઠક જીતી છે.”
મહત્ત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપે કંગના રનૌતને ઉમેદવાર બનાવી છે. તે મંડીમાં પોતાના ચૂંટણી અભિયાનમાં જોડાયેલી છે.
કોણ છે વિક્રમાદિત્ય સિંહ?
પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના 34 વર્ષીય પુત્ર વિક્રમાદિત્ય સિંહ, મંડી સંસદીય ક્ષેત્રમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ ચૂંટણી લડવા તૈયાર છે.
વિક્રમાદિત્યે પોતાનું પ્રાથમિક શિક્ષણ શિમલાની બિશપ કોટન સ્કૂલમાંથી કર્યો છે જ્યારે ગ્રેજ્યુએશન હંસરાજ કોલેજ અને બાદમાં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પૂર્ણ કર્યું છે.
વિક્રમાદિત્ય સિંહનો જન્મ 17 ઓક્ટોબર, 1989માં હિમાચલ પ્રદેશના જાણીતા શાહી પરિવારમાં થયો હતો. વિક્રમાદિત્ય સિંહના પિતા વીરભદ્ર સિંહ છ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. વિક્રમાદિત્ય સિંહે 2017માં 28 વર્ષની ઉંમરમાં પિતાના પગલે ચાલતા શિમલા (ગ્રામ્ય) બેઠર પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.








