VIDEO: ચંદીગઢમાં NRIના ઘરે બોમ્બ વિસ્ફોટ: આરોપી CCTVમાં કેદ
પંજાબની રાજધાની ચંદીગઢના સેક્ટર-10માં સાંજે લગભગ 6.03 વાગ્યે કેટલાક લોકોએ કોઠી નંબર

પંજાબની રાજધાની ચંદીગઢના સેક્ટર-10માં સાંજે લગભગ 6.03 વાગ્યે કેટલાક લોકોએ કોઠી નંબર 575માં બોમ્બ ફેંક્યો, જે એનઆરઆઈ દંપતી રમેશ મલ્હોત્રાનું ઘર છે. બ્લાસ્ટના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, સેક્ટર-10 શહેરના પોશ વિસ્તારોમાંથી એક છે. અહીં અમીરોનો વાસ છે. જે બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પોલીસ વિભાગના મહાનિર્દેશક સુરેન્દ્ર સિંહ યાદવ, આઈજી રાજકુમાર, એસએસપી કંવરદીપ કૌર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા.
પોલીસ ટીમની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 લોકો ઓટોમાં આવ્યા અને કોઠી નંબર 575માં બોમ્બ ફેંકીને ભાગી ગયા. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.
રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટનો અવાજ અડધા કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો હતો. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. પરંતુ અગમચેતીના પગલારૂપે પોલીસે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત વધારી દીધો છે.






