મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:ANDARNI VAAT/બારીપદામાં મળ્યા ૧.૫ કરોડ વર્ષ જૂના અશ્મિ!

ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપદા ખાતેથી પૃથ્વીના કરોડો વર્ષ જૂના ઇતિહાસના રહસ્યો ખોલતી એક અત્યંત રોમાંચ

ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપદા ખાતેથી પૃથ્વીના કરોડો વર્ષ જૂના ઇતિહાસના રહસ્યો ખોલતી એક અત્યંત રોમાંચક ભૌગોલિક શોધ સામે આવી છે. મયુરભંજના મહારાજા શ્રીરામચંદ્ર ભંજદેવ યુનિવર્સિટીના રિમોટ સેન્સિંગ અને જીઆઇએસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સંશોધક ડોક્ટર દેવવ્રત નંદી દ્વારા અહીંથી અંદાજે દોઢ કરોડ વર્ષ જૂના અશ્મિઓ એટલે ફોસિલ્સ શોધી કઢાયા છે. આ અશ્મિ પથરાવમાંથી સૂક્ષ્મ જીવો, શાર્ક માછલીના દાંત અને તેના કરોડરજ્જુના મણકા તેમજ કેટલાક અજાણ્યા જીવોના અવશેષો મળી આવ્યા છે. સંશોધકોના મતે, આ અવશેષો મેસીનિયન કાળના હોવાનું અનુમાન છે. હાલમાં સમુદ્ર કિનારાથી ૬૦ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાંથી દરિયાઈ જીવોના અશ્મિ મળવાથી એ સાબિત થાય છે કે પ્રાચીન સમયમાં આ સમગ્ર પંથક એક વિશાળ સમુદ્રી પટ્ટો હતો, જે સમય જતાં ભયાનક કુદરતી આપત્તિઓ કે મોટા આબોહવા પરિવર્તનને કારણે જમીન ભાગમાં ફેરવાઈ ગયો હતો.

આ અભૂતપૂર્વ વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે ડોક્ટર નંદી દેશ-વિદેશની વિવિધ પેલેઓન્ટોલોજી સંસ્થાઓ સાથે મળીને સંયુક્ત સંશોધન કરી રહ્યા છે. તેઓ આ ઐતિહાસિક સ્થળને એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ફોસિલ પાર્ક અથવા જીઓ-હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવા માટે સક્રિય બન્યા છે, જેથી ભવિષ્યમાં અહીં પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળે અને વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકો માટે સંશોધનનું મોટું કેન્દ્ર ઊભું કરી શકાય. જોકે, આ વિસ્તારને સત્તાવાર સરકારી માન્યતા અપાવવા માટે વ્યાપક સ્તરે વૈજ્ઞાનિક દસ્તાવેજો તૈયાર કરવાની અને સંશોધન પત્રો પ્રકાશિત કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. ઓડિશાની ધરતીમાંથી મળેલો આ અમૂલ્ય પ્રાચીન ખજાનો પૃથ્વી પર જીવનની ઉત્ક્રાંતિ અને ભૌગોલિક પરિવર્તનોના અનેક અણઉકેલાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં વૈશ્વિક સ્તરે એક માઇલસ્ટોન સાબિત થશે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો