'રાજકારણમાં દરેક સમય એક જેવો નથી હોતો', વસુંધરા રાજેનું છલકાયું દર્દ
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન દુ:ખ સામે આવ્યું

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન દુ:ખ સામે આવ્યું હતું. વસુંધરા રાજેએ કહ્યું કે, રાજકારણમાં દરેક સમય એક જોવો નથી હોતો. દરેકે ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. રાજસ્થાન ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડનમા શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
રાજકારણમાં દરેક સમય એક જેવો નથી હોતો- વસુંધરા રાજે
કાર્યક્રમમાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓને સંબોધતા વસુંધરા રાજેએ કહ્યું કે, "રાજકારણમાં દરેક સમય એક જેવો નથી હોતો. દરેક કોઇએ ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. રાજકારણમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. તે છે પદ,મદ અને કદ. પદ અને મદ હંમેશા નથી રહેતા પણ જો નેતા કાર્યકર્તાઓ વચ્ચે રહે તો તેનું કદ રહે છે. રાજકારણનો રસ્તો આસાન નથી તેમાં કેટલીક વખત ઝટકો પણ લાગે છે પણ આપણે પાર્ટીમાં રહીને તેની માટે કામ કરવાનું છે."
રાજસ્થાન ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડને શુભેચ્છા પાઠવતા વસુંધરા રાજેએ કહ્યુ કે, મદન રાઠોડનો રસ્તો આસાન નથી. આ લોકો (પાર્ટી કાર્યકર્તા)ને સંભાળવા આસાન નથી. આપણો નારો છે, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'. તેને પૂર્ણ કરવામાં કેટલાક લોકો નિષ્ફળ ગયા છે.
મહત્ત્વપૂર્ણ છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે વસુંધરા રાજેને ઝટકો આપતા સાંગાનેરથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીને લઇને શરૂઆતથી જ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને ઝટકા મળતા રહ્યાં હતા. ભાજપે આ ચૂંટણી પહેલા તેમને સાઇડલાઇન કરતા મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યા નહતા. આ સિવાય તેમના સમર્થકોની ટિકિટ પણ કાપી હતી જેને કારણે રાજકારણ ગરમાયેલું રહ્યું હતું. હવે તેમના દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને તેની સાથે જ જોડીને જોવામાં આવી રહ્યું છે.
કોણ છે મદન રાઠોડ?
મદન રાઠોડનો જન્મ 1950માં પાલી જિલ્લાના રાયપુરમાં થયો હતો. રાજસ્થાન યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (BSC ગણિત) કર્યું છે. 1962માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સ્વયંસેવક બન્યા હતા. 1970ના દાયકામાં RSSના પ્રચારકના રૂપમાં પણ કામ કર્યું છે. તે બાદ ટેક્સટાઇલના વેપારીના રૂપમાં કામ કર્યું હતું. 4 વખત ભાજપના પાલી જિલ્લાના અધ્યક્ષ રહ્યાં છે. વર્ષ 2003 અને 2013માં પાલીની સુમેરપુર વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે. 2008,2018 અને 2023માં ટિકિટ મળી નહતી પરંતુ પાર્ટીએ તે બાદ રાજ્યસભા મોકલ્યા હતા. વર્તમાનમાં તે ભાજપના રાજ્યસભાના સાંસદ છે, તેમને પાર્ટીએ આગામી 5 બેઠક પર યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મોટી જવાબદારી સોપી છે.
મદન રાઠોડ પર ભાજપના દાવનું કારણ
મદન રાઠોડને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પાછળ રાજકીય જાણકારોનું માનવું છે કે તેમના દ્વારા ભાજપ પોતાની ઓબીસી વોટ બેન્ક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓબીસી જાતિ ઘાંચી સમાજમાંથી આવતા મદન રાઠોડને પ્રદેશ અધ્યક્ષ બનાવી ભાજપે જાતીય સમીકરણ સાધ્યા છે અને તે ઓબીસી વોટ બેન્ક મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે જે રાજ્યમાં જીત-હારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.








