8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં સરેરાશ 15400ના વધારાની શક્યતા

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મૉર્ગનના અંદાજ મુજબ, 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ કર્મચારીઓ અને પેન્શનરોને દર મહિને સરેરાશ 15,400 રૂપિયા વધારાના મળી શકે છે. આ ઉપરાંત દરેક લાભાર્થીને સરેરાશ આશરે 3.40 લાખ રૂપિયાનું એરિયર્સ પણ મળવાનું અનુમાન છે. જેપી મૉર્ગને પોતાની 'ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રૅટેજી રિપોર્ટ 2027'માં આ આકલન રજૂ કર્યું છે, જે મુજબ દેશના આશરે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ થશે. નાણાકીય વર્ષ 2028 અને 2029 દરમિયાન સરકાર પર પગાર, ભથ્થાં અને પેન્શનનો કુલ 7.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે.
1.83 ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર ગણતરી
જેપી મૉર્ગને પોતાના આકલનમાં 1.83ના ફિટમેન્ટ ફેક્ટરને આધાર બનાવ્યો છે. આ ગણતરી મુજબ, હાલનો 18,000 રૂપિયાનો લઘુતમ મૂળ પગાર (બેઝિક સેલેરી) વધીને આશરે 33,000 રૂપિયા થઈ શકે છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, 1.83 ફિટમેન્ટ ફેક્ટરથી મૂળ પગારમાં કાગળ પર 83 ટકાનો વધારો દેખાશે, પરંતુ તેમાં 60 ટકા મોંઘવારી ભથ્થું (DA) પણ મૂળ પગારમાં ભળી જશે. પરિણામે કર્મચારીઓના વાસ્તવિક પગારમાં આશરે 14 ટકા જેટલો વધારો થવાનું અનુમાન છે.
કર્મચારી સંગઠનોની 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ
બીજી તરફ, કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ મૂકી છે. જો સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવે, તો લઘુતમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને સીધો 69,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. આ સાથે જ કર્મચારી સંગઠનોએ વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો દર હાલના 3 ટકાથી વધારીને 6 ટકા કરવાની પણ રજૂઆત કરી છે.
ક્યારથી લાગુ થશે 8મું પગાર પંચ અને કેવી રીતે મળશે એરિયર્સ?
જેપી મૉર્ગનના અંદાજ મુજબ, 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અસરકારક ગણવામાં આવી શકે છે, જ્યારે વધેલા પગારની ચૂકવણી નવેમ્બર 2027થી શરૂ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં જાન્યુઆરી 2026થી ઑક્ટોબર 2027 સુધીના કુલ 22 મહિનાનું એરિયર્સ બનશે. બ્રોકરેજ મુજબ, કુલ એરિયર્સની રકમ આશરે 4 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે, જેની ચૂકવણી બે નાણાકીય વર્ષમાં કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2028માં 40 ટકા અને નાણાકીય વર્ષ 2029માં બાકીના 60 ટકા એરિયર્સ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ માત્ર જેપી મૉર્ગનનું અનુમાન છે. 8મા પગાર પંચે મે 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવાનો છે, ત્યારબાદ જ સરકાર પગાર વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે અંતિમ નિર્ણય લેશે.










