3 વર્ષ સુધી પોતાના જ પૈસા માટે લડ્યા 80 વર્ષના વૃદ્ધ, હાઈકોર્ટની ટકોર બાદ બેંકે ચૂકવ્યા રૂ. 1.47 કરોડ

બેંક ઓફ બરોડા (BoB)ના 80 વર્ષીય નિવૃત્ત કર્મચારીને પોતાના જ બેંક સામે લગભગ રૂ. 1.20 કરોડની રકમ પરત મેળવવા માટે ત્રણ વર્ષથી વધુ સમય સુધી કાનૂની લડાઈ લડવી પડી હતી. બેંકે તેમની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી આ રકમ કાપી લીધી હતી. જોકે, આખરે બેંકે તેમને રૂ. 1.47 કરોડ પરત કર્યા છે. આ રકમમાં કાપવામાં આવેલી મૂળ રકમની સાથે તેના પરનું વ્યાજ પણ સામેલ છે.
ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો હતો. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે નાણાકીય સંસ્થાઓમાં જીવનભરની મહેનતની કમાણી જમા કરાવતા વરિષ્ઠ નાગરિકોને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા પડે તે યોગ્ય નથી. કાયદાના દાયરામાં રહીને માનવીય અભિગમ સાથે વ્યવહારુ ઉકેલ લાવવો જરૂરી છે.
હાઈકોર્ટની ટકોર બાદ બેંકે ચૂકવ્યા રૂ. 1.47 કરોડ
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત એમ. સેઠનાની ખંડપીઠે આ અરજીનો નિકાલ કર્યો હતો. આ અરજીમાં અરજદારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ઓમ્બડ્સમેનના 18 ડિસેમ્બર, 2023ના નિર્ણયને પડકાર્યો હતો. ઓમ્બડ્સમે તેમની ફરિયાદને એમ કહીને ફગાવી દીધી હતી કે આ મામલો કર્મચારી અને નોકરીદાતા વચ્ચેના સંબંધને લગતો હોવાથી ફરિયાદ ગ્રાહ્ય નથી.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલ સાગર એ. રાણેએ રજૂઆત કરી હતી કે બેંક ઓફ બરોડાએ માર્ચ 2023માં કાયદાકીય આધાર વિના એકતરફી રીતે તેમની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી રૂ. 89.01 લાખ કાપી લીધા હતા. ત્યારબાદ 1 એપ્રિલ, 2023થી ડિપોઝિટની મુદત પૂરી થઈ ત્યાં સુધી મળેલા વ્યાજમાંથી પણ રૂ. 31 લાખ કાપી લેવામાં આવ્યા હતા. આમ, કુલ કપાયેલી રકમ લગભગ રૂ. 1.20 કરોડ હતી.
ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે 80 વર્ષીય વૃદ્ધ
કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન બેંકના નિવૃત્ત કર્મચારીની તબિયત વધુ ખરાબ થઈ હતી. અરજદાર મલ્ટિપલ માયલોમા નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં તેમને દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને ન્યુમોનિયા અને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS)ના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
અગાઉ હાઈકોર્ટે નોંધ્યું હતું કે બેંકે નિવૃત્ત કર્મચારીઓને મળતા વધારાના 1 ટકા વ્યાજની સુવિધા ભૂલથી આપવામાં આવી હોવાનું કહીને પોતાના પગલાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. બેંકે આ માટે ક્લેરિકલ ભૂલનું કારણ આપ્યું હતું.
જોકે, રેકોર્ડ મુજબ અરજદાર 2011થી જ જરૂરી ચકાસણી બાદ આ વધારાના વ્યાજ માટે પાત્ર હતા. આથી હાઈકોર્ટે બેંકની દલીલને પ્રાથમિક દૃષ્ટિએ સ્વીકારવામાં મુશ્કેલી હોવાનું જણાવ્યું હતું અને ક્લેરિકલ ભૂલનો દાવો પાછળથી ઊભો કરવામાં આવ્યો હોવાનું અવલોકન કર્યું હતું.
બેંકના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવાની ચેતવણી
અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બેંક અને તેના અધિકારીઓ, જેમાં મેનેજિંગ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે, સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. કોર્ટે ટકોર કરી હતી કે બેંકના અધિકારીઓએ માનવીય પીડા પ્રત્યે બહુ ઓછું મૂલ્ય અને સન્માન રાખ્યું હોય તેમ જણાય છે.
20 નવેમ્બરના રોજ બેંકે સોગંદનામું રજૂ કરીને રૂ. 1.47 કરોડની રકમને સંપૂર્ણ અને અંતિમ સમાધાન તરીકે ચૂકવવાની ઓફર કરી હતી. ગુરુવારે બેંકે કોર્ટને જણાવ્યું હતું કે કર કપાત બાદ આ રકમ અરજદારના ખાતામાં જમા કરી દેવામાં આવી છે.
વરિષ્ઠ નાગરિકોને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા ન પડે: હાઈકોર્ટ
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશને ભવિષ્યના અન્ય કેસોમાં દાખલા તરીકે રજૂ કરવામાં નહીં આવે. જોકે, કોર્ટે વરિષ્ઠ નાગરિકો સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓના વ્યવહાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, અમે એવા અનેક કિસ્સાઓ જોયા છે જેમાં લાંબા સમયથી બેંકો અને નાણાકીય સંસ્થાઓના ગ્રાહક રહેલા વરિષ્ઠ નાગરિકોને તેમની સાથેના વ્યવહારમાં અસુવિધા, મુશ્કેલી અને ઉદાસીનતાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓને સરળતાથી ઓછી કરી શકાય છે અને હકીકતમાં ટાળી પણ શકાય છે.”
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “આ સંસ્થાઓમાં વરિષ્ઠ નાગરિકોએ જીવનભરની મહેનતની કમાણી જમા કરાવી હોય છે. આવી સ્થિતિમાં તેમને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા પડે તે યોગ્ય નથી. કોર્ટનો આશરો લેવો એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, અપવાદ હોવો જોઈએ, નિયમ નહીં.” કોર્ટે નોંધ્યું હતું કે KYC વેરિફિકેશન જેવા મુદ્દાઓમાં પણ વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને એક કચેરીથી બીજી કચેરી સુધી દોડાવવામાં આવે છે.
અંતમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, “કાયદા અનુસાર વ્યવહારુ ઉકેલ આધારિત માનવીય અભિગમ જ મુખ્ય છે, જેથી વરિષ્ઠ નાગરિકોને બિનજરૂરી ટેકનિકલ બાબતો અને પ્રક્રિયાગત મુશ્કેલીઓમાં ફસાવા ન પડે.”











