શરદ પવાર સામે ઉદ્ધવનું સરેન્ડર કે પ્રેશર પોલિટિક્સ? MVAના CM ઉમેદવાર અંગે આપ્યું મોટું નિવેદન
આજે ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીઓ જાહેર કરી છે. પરંતુ મહારાષ્ટ્રની ચૂં

આજે ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીઓ જાહેર કરી છે. પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીઓ જાહેર થઈ નથી. પરંતુ આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપને પછાડવા માટે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) એ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં શિવસેના (UBT), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે એક મોટું નિવેદન આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ છે. પૂર્વ સીએમએ કહ્યું છે કે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી જેને પણ સીએમ ઉમેદવાર બનાવશે, તેમની પાર્ટી તેમને બિનશરતી સમર્થન આપશે. જોકે તેણે એક શરત પણ મૂકી છે. તેમની સ્થિતિ બંને ઘટક પક્ષો માટે મુશ્કેલી વધારી શકે છે. આને દબાણની રાજનીતિ તરીકે પણ જોઈ શકાય છે.
ઠાકરેએ કહ્યું, "એમવીએના સીએમ પદના ચહેરા વિશે અટકળો ચાલી રહી છે. હું ગઠબંધનના તમામ નેતાઓને અપીલ કરું છું. પછી તે પૃથ્વીરાજ ચવ્હાણ હોય કે શરદ પવાર, તેઓ સીએમ માટે તેમની પસંદગીની જાહેરાત કરે અને હું તેમને બિનશરતી સમર્થન આપીશ.
કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશેઃ ઉદ્ધવ
મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહાવિકાસ આઘાડીના કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશે. કાર્યકરોએ ફક્ત આપણા રાજ્ય વિશે જ વિચારવું પડશે.' આ ઉપરાંત ઉદ્ધવે વધુમાં કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રાજ્યના સ્વાભિમાનને બચાવવાની લડાઈ હશે.'
MVA ઉમેદવારને સમર્થન આપશે
આ સિવાય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'હું કોંગ્રેસ અને એનસીપી (એસપી) દ્વારા MVAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપીશ.' ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ઉદ્ધવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સીએમ ચહેરો નહીં હોય? ઉલ્લેખનીય છેકે ચૂંટણી પંચ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં, સત્તાધારી મહાયુતિ પાસે હાલમાં 218 બેઠકો છે અને વિપક્ષ મહાવિકાસ અઘાડી પાસે 78 બેઠકો છે.
MVA સાથી પક્ષોને વિનંતી કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરે અને પછી પ્રચાર શરૂ કરે. આપણે નિયમોનું પાલન કરતા હતા કે જે વધુ બેઠકો જીતશે તેને સીએમ પદ મળશે. અગાઉના ગઠબંધનમાં પણ આ જ ફોર્મ્યુલાનું પાલન કર્યું હતું. તેથી હું અપીલ કરું છું કે પહેલા આપણે સીએમ ચહેરાની જાહેરાત કરીએ. અને પછી જ આપણું અભિયાન ચાલુ કરી શકીએ.








