હાઈવે પર 1800 કિલો ટામેટાં ભરેલી ટ્રક પલટી, લૂંટ રોકવા પોલીસ રહ્યા ખડેપગે
એકબાજુ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ઝાંસીના શિવપુરી-ગ્વાલિયર હાઈવે પર ટામેટાં ભરેલી ટ

એકબાજુ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ઝાંસીના શિવપુરી-ગ્વાલિયર હાઈવે પર ટામેટાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. જે બાદ હાઈવે પર ટામેટા વેરાઈ ગયા હતા. પરિણામે સ્થાનિક લોકો ટામેટાં લેવાના ઈરાદે માટે દોડી આવ્યા હતા. જોકે, ટામેટાંની લૂંટ ન થાય તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સવાર સુધી ટામેટાંનો બંદોબસ્ત રાખ્યો હતો.
અકસ્માત બાદ ટામેટાં હાઈવે પર ઢોળાઈ ગયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ઝાંસીના શિવપુરી-ગ્વાલિયર હાઈવે પર પર ગુરૂવારે મોડી રાત્રે બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં 1800 કિલો ટામેટાં ભરેલા હતા. અકસ્માત બાદ ટામેટાં હાઈવે પર ઢોળાઈ ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા ઘાયલ થઈ હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ટ્રક પલટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો
હાઈવે પર વેરવિખેર ટામેટાં જોઈને આસપાસના ગ્રામજનો લૂંટવાના ઈરાદે દોડી આવ્યા હતા. બજારમાં ઊંચા ભાવને પગલે કોઈ ટામેટાં લૂંટી ન લે તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે બે પોલીસકર્મીઓને સ્થળ પર તૈનાત કર્યા હતા. ટ્રક પલટી જતાં લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેનની મદદથી ટ્રકને સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.








