આદિવાસી મતદારો: કોંગ્રેસનો હાથ પકડશે કે કમળ ખિલવશે; 47 બેઠકો પક્ષોનું ગણિત બદલવા સક્ષમ
લોકસભાની 2024ની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ સમુદાયો, જાતીઓ અને સંપ્રદાયો મતદારો તરીકે પરિણામને કેટલી અસર પહો

લોકસભાની 2024ની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ સમુદાયો, જાતીઓ અને સંપ્રદાયો મતદારો તરીકે પરિણામને કેટલી અસર પહોંચાડી શકે અને સમીકરણોમાં શું પરિવર્તન લાવી શકે તેની પણ ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને આદિવાસી બહુમત ધરાવતા વિસ્તારોનું રાજકારણ હાલમાં ગરમાયેલું છે. આદિવાસી મતદારો માટે ભાજપ દ્વારા સક્રિય પ્રયાસ થઇ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આદિવાસી મતદારોને રિઝવવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસને આ લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન પવન ફુંકાવાની આશા છે અને તેના માટે તે સખત મહેનત કરી રહી છે. બીજી તરફ ભાજપને પૂનરાવર્તનની આશા છે. આ બન્ને મોટા પક્ષો દ્વારા તેના માટે આદિવાસી મતદારોને રિઝવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આદિવાસી મતદારો આઝાદી બાદ કોંગ્રેસની સૌથી મોટી વોટબેન્ક હતાં. સમયાંતરે કોંગ્રેસની કામગીરીમાંથી આદિવાસીઓ માટેના એજન્ડા ઓછા થતા ગયા અને આદિવાસી મતદારોમાં પરિવર્તનનું મોજું ફુંકાયું. છેલ્લાં છ દાયકાથી કોંગ્રેસના સમર્થનમાં આવતા આદિવાસી મતદારો છેલ્લાં એક દાયકાથી ભાજપને સમર્પિત થઇ ગયા હોવાનું જણાઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા હવે તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આદિવાસીઓની ગુમાવેલી જમીનો પરત અપાવવાની વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસે આ વખતે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તેમાં પણ આદિવાસી સમુદાય માટે કેટલીક જાહેરાતો કરી હતી. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા આદિવાસીઓના જંગલ, જમીન અને જળને બચાવવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી.
47 બેઠકોનું સમીકરણ: પક્ષોનું ગણિત બદલવા સક્ષમ
દેશમાં લોકસભાની બેઠકોની વાત કરીએ તો 47 બેઠકો એવી છે જે આદિવાસી સમુદાયને ફાળે જાય છે. દેશમાં આદિવાસીઓની વસ્તી દેશની કૂલ વસ્તીના 8.6 ટકા જેટલી છે. તેની સરેરાશ તેમને 47 બેઠક અનામત આપવામાં આવેલી છે. આ બેઠકોમાં સૌથી વધારે મધ્ય પ્રદેશમાં 6 લોકસભા સીટો અપાઇ છે. ઝારખંડ અને ઓડિશામાં 5-5 બેઠકો છે. છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 4-4 બેઠકો છે. રાજસ્તાનમાં ત્રણ બેઠક છે જ્યારે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તેલંગાણામાં 4-4 બેઠકો છે. આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દાદરા-નગર હવેલી અને લક્ષદ્વિપમાં 1-1 બેઠકો આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, ગત બે લોકસભામાં ભાજપ દ્વારા આ બેઠકોમાંથી ઘણી વધારે બેઠકો અંકે કરવામાં આવી હતી. કોંગ્રેસનો આ વિસ્તારોમાં એક દાયકાથી ગજ વાગતો નથી. 2019ની લોકસભામાં 47માંથી 32 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો આવી હતી જ્યારે અન્યના ફાળે 12 બેઠકો આવી હતી, તેની પહેલાની 2014ની લોકસભામાં ભાજપને 26 બેઠકો મળી હતી અને કોંગ્રેસને પાંચ જ બેઠકો જ્યારે અન્યને 16 બેઠકો મળી હતી.
આદિવાસી મતદારોનો મિજાજ બદલાવા લાગ્યો
દેશના આદિવાસી મતદારો જે આઝાદી બાદ કોંગ્રેસને સમર્થન આપતા હતા તેમનું વલણ ધીમે ધીમે બદલાવા લાગ્યું છે. તેઓ છેલ્લાં બે દાયકાથી ભાજપની તરફ વધારે ખેંચાયા હોય તેવું દેખાઇ રહ્યું છે. ખાસ કરીને છેલ્લાં એક દાયકામાં ભાજપનો જે વિજય થયો છે તેમાં આદિવાસી મતદારોનું યોગદાન વધારે જોવા મળ્યું છે. માત્ર છેલ્લી ચાર લોકસભાની ચૂંટણી ઉપર ધ્યાન દેવામાં આવે તો પણ સમીકરણો બદલાયા હોય તે જણાઇ આવે છે. 2004ની લોકસભા ચૂંટણીમાં આદિવાસી મતદારો દ્વારા 37 ટકા મત કોંગ્રેસને આપવામાં આવ્યા હતા. તેની સમાંતર 28 ટકા મત ભાજપને પણ આપવામાં આવ્યા હતા. 2009માં પણ કોંગ્રેસને 38 ટકા મત મળ્યા તો સામે ભાજપને 24 ટકા મત મળ્યા હતા. 2014ની પરિસ્થિતિ વધારે પલટાવા લાગી હતી. 2014માં પાસું પલટાઇ ગયું અને ભાજપને 38 ટકા મત મળ્યા અને કોંગ્રેસના ફાળે 28 ટકા મત આવ્યા હતા. 2019માં આદિવાસીઓ દ્વારા ભાજપને 44 ટકા મત આપવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસને 31 ટકા મત આપવામાં આવ્યા હતા.
મોટા આદિવાસી નેતાઓની હાજરી સૌથી મોટું પરિબળ
ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાતા મતો અને આદિવાસી સમુદાયની વિચારધારામાં આવેલા પરિવર્તન અંગે રાજકીય મત જુદો છે. રાજકીય જાણકારો માને છે કે, બન્ને પક્ષોમાં રાજકીય પ્રતિનિધિત્વ મોટું અને અસરકારક પરિબળ છે. કોંગ્રેસ પાર્ટી પાસે કોઇ મોટા કહી શકાય તેવા આદિવાસી રાજકીય નેતા નથી, તેના કારણે આદિવાસી સમાજને સતત એમ લાગી રહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આીવ રહી છે. માત્ર SC બેઠકો ઉપક ચૂંટણી લડવાની જાહેરાત કરીને કોંગ્રેસ આદિવાસીઓને પોતાની તરફ ખેંચી શકે તેમ લાગતું નથી. બીજી તરફ શિક્ષિત આદિવાસી યુવાનો માને છે કે, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં જે મોટી મોટી વાતો કરવામાં આવી છે તે સાંભળવામાં અને વિચારવામાં સારી લાગે છે. સવાલ એ છે કે, કોંગ્રેસ સત્તામાં આવી ગઇ તો સામાન્ય નાગરિક સુધી અને છેવાડાના આદિવાસી નાગરિક સુધી આ સુવિધાઓ ખરેખર પહોંચી શકશે. બીજી તરફ ભાજપ દ્વારા આદિવાસી નેતાઓને યાદ કરવા, તેમની પ્રતિમાઓ બનાવવી, તેમના માનમાં ઉજવણીઓ કરવી જેવી ઘણી કામગીરી કરવામાં આવી છે. સૌથી મોટું પરિબળ તો એ પણ બની ગયું છે કે, ભાજપ દ્વારા આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ ઉપર રાષ્ટ્રપતિ તરીકે મુકવામાં આવ્યા છે. આ પરિબળ ભાજપ તરફી વલણ વધારે તેને નકારી શકાય નહીં.








