ઝારખંડના જમશેદપુરમાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, બે પાયલોટ ગુમ
ઝારખંડના જમશેદપુરમાં એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું છે, જેમાં બે પાયલોટો ગુમ થયા છે. આ વિ

ઝારખંડના જમશેદપુરમાં એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું છે, જેમાં બે પાયલોટો ગુમ થયા છે. આ વિમાન સોનારી એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ ગુમ થયું હતું. વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તેનો કાટમાળ મળી આવ્યો છે. જ્યારે વિમાનમાં સવાર બંને પાઈલોટો ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
વિમાનનો કાટમાળ મળ્યો, પાયલોટો ન મળ્યા
મળતા અહેવાલો મુજબ જમશેદપુરના સોનારી એરપોર્ટ પરથી આજે સવારે 11 કલાકે બે પાઈલોટ સાથે એક ટ્રેની વિમાન ટેક ઓફ થયું હતું. થોડા સમય બાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ જમશેદપુર અને સરાયકેલાની પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓએ વિમાનની શોધખોળ શરૂ કરી હતી. જેમાં જિજિકા પંચાયતના બારૂબેલા વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. જોકે ત્યાંથી બંને પાયલોટો ન મળતા તંત્રએ ચિંતા વ્યક્ત કરી હતી.
બે પાઈલોટો ગુમ, શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ
હાલ બંને ટ્રેઈની પાઈલોટોની શોખધોળ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે, પ્લેનના ક્રેશ લેન્ડિંગ દરમિયાન બંને પાઇલોટ્સ બહાર નીકળી ગયા હશે. જોકે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.
ટ્રેઈની વિમાન શું હોય છે?
ટ્રેઈની વિમાન તાલીમ આપવા માટે હોય છે. આ પ્લેનમાં કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ હોય છે. આ બે સીટર એરક્રાફ્ટમાં ટ્રેઈની પાઈલટની સાથે એક પ્રશિક્ષિત પાઈલટ હોય છે. પ્રશિક્ષિત પાયલટ ટ્રેઈની પાઈલટને તાલીમ અને યોગ્ય સૂચના આપી શકે તે માટે વિમાનમાં બંને એક બીજાને જોઈ શકે તે રીતે બેઠક વ્યવસ્થા હોય છે. જો શીખનાર કોઈ ભૂલ કરે તો પ્રશિક્ષક તેના પર નજર રાખે છે અને તેને સૂચના આપી શકે છે. સામાન્ય રીતે આ બે સીટર એરક્રાફ્ટનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન તાલીમ માટે થાય છે.






