મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ધનબાદમાં ગૅસ સિલિન્ડર ફાટતા 3નાં કરુણ મોત, CISF જવાનો સહિત અનેક ઈજાગ્રસ્ત

Dhanbad Gas Cylinder Blast: ઝારખંડના ધનબાદના મુનીડીહ સ્થિત CPP

ધનબાદમાં ગૅસ સિલિન્ડર ફાટતા 3નાં કરુણ મોત, CISF જવાનો સહિત અનેક ઈજાગ્રસ્ત
આ સમાચાર સાંભળો

Dhanbad Gas Cylinder Blast: ઝારખંડના ધનબાદના મુનીડીહ સ્થિત CPP પ્લાન્ટમાં મધ્યરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગેસ કટર સિલિન્ડર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ CISF જવાનો સહિત ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ઝેરી ગેસ ફેલાવાને કારણે લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા.

ઘટના સમયે સ્થળ પર 8થી 10 શ્રમિકો કામ કરી રહ્યા હતા. સિલિન્ડર ફાટતા જ તેમાંથી અતિશય વેગ સાથે ગેસ બહાર નીકળવા લાગ્યો હતો, જેના સંપર્કમાં આવતા શ્રમિકોની હાલત ગંભીર બની ગઈ હતી. ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SNMMCH) ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સંજય યાદવ અને મોહમ્મદ અઝહરુદ્દીન સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે મોહમ્મદ ઈબ્રાહિમ અને મોહમ્મદ ઈમામુદ્દીન જેવી વ્યક્તિઓની હાલત હજુ પણ નાજુક જણાવવામાં આવી રહી છે.

મૃતક સંજય યાદવના પરિજનોએ જણાવ્યું કે, મોડી રાત્રે જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર ફાટ્યો છે. આ ઘટના બાદ પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર શેર કરો