સરકારી શાળામાં જબરદસ્તી ઘૂસીને શિક્ષકોને ધમકાવ્યા! CJP નેતા અભિજીત દિપકે સામે ગંભીર કલમો હેઠળ FIR

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કોંગ્રેસ જનતા પાર્ટી (CJP) ના કન્વીનર અભિજીત દિપકે અને તેમના સાથીઓ સામે સરકારી શાળામાં પરવાનગી વગર પ્રવેશવા, સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા અને શિક્ષકોને ધમકાવવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ ઔસા નજીક જાવલી ખાતે આવેલી જિલ્લા પરિષદ ઉર્દૂ શાળાની 53 વર્ષીય શિક્ષિકા સૈયદ શમશાદબાનો ખૈરાત અલી દ્વારા ઔસા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અભિજીત દિપકે CJP ના 'શાળા સુધારો' (સ્કૂલ ઠીક કરો) અભિયાન હેઠળ લાતુર જિલ્લાની શાળાઓની મુલાકાત લઈ રહ્યા હતા.
શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી અને કામમાં અડચણનો આક્ષેપ
ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ, દિપકે અને તેમના સાથીઓ પરવાનગી લીધા વિના શાળા પરિસરમાં ઘૂસી ગયા હતા. તેઓ સીધા વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ વચ્ચે બેસી ગયા અને બાળકોને અનેક સવાલો પૂછવા લાગ્યા, જેનાથી શૈક્ષણિક કાર્ય અને સરકારી ફરજમાં વિક્ષેપ પડ્યો હતો.
વિડીયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા પર પ્રસારણ
નેતા અને તેમના સાથીઓએ આ સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કર્યું અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે દિપકેએ પોતાના પ્રવાસ દરમિયાન અન્ય શાળાના બાળકોને વર્ગમાં બેસાડવામાં આવ્યા હોવાનો દાવો કરીને શાળાની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના શિક્ષકોને સસ્પેન્ડ કરાવી દેવાની ખુલ્લેઆમ ધમકીઓ પણ આપવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ મામલે લાતુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૨, ૩૨૯(૩), ૩૫૧(૨) અને ૩૫૬(૨) હેઠળ એફઆઈઆર નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

