બિહારમાં પટના- કિશનગંજ સહિત અનેક સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી હડકંપ
પટના સહિત બિહારની ઘણી સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. પહેલા પટના સિવિલ

પટના સહિત બિહારની ઘણી સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. પહેલા પટના સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. એ પછી કિશનગંજ સિવિલ કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાની વાત સામે આવી છે. ઇમેલ દ્વારા ધમકી મળ્યા બાદ જિલ્લા જજે કોર્ટ પરિસર ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. ઉતાવળમાં સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. પીરબહોર પોલીસ સ્ટેશનની પોલીસ પણ પહોચી ચૂકી છે.
દાનાપુર સિવિલ કોર્ટને પણ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવતા તમામ કામકાજ ખોરવાઈ ગયા છે. જિલ્લા ન્યાયાધીશના આદેશમાં જણાવાયું છે કે, પટણા સિવિલ કોર્ટને ત્રણ RDX IEDનો ઉપયોગ કરીને ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને બધા DBA સભ્યોને કેમ્પસ ખાલી કરવાની સલાહ આપવામાં આવે છે. બોમ્બની ધમકી બાદ ડોગ સ્ક્વોડની ટીમને બોલાવી લેવામાં આવી છે. જેના દ્વારા કોર્ટ પરિસરની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જજ અને વકીલ તમામે કોર્ટ પરિસરને ખાલી કરી દીધું છે.
આ ઉપરાંત કિશનગંજ સિવિલ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળી છે. હજુ સુધી કોર્ટ પરિસરમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી.
ગયા સિવિલ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી જિલ્લામાં સનસની મચી છે. આ ધમકી જિલ્લા જજના સરકારી ઈમેઈલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ ધમકી ભર્યો મેઈલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. કોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે. બિહારમાં જુદી જુદી સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ બાદ સાયબર સેલને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ ધમકીભર્યો મેઈલ કરનાર અને તેનું લોકેશન ટ્રેસ કરવાનું ચાલી રહ્યું છે.








