1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ નિયમો; ગેસ સબસિડી, બેન્કિંગ ચાર્જ અને કિંમતો પર થશે સીધી અસર

ઓક્ટોબર 2026ની શરૂઆત સાથે જ સામાન્ય જનજીવન અને નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા કેટલાક મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તહેવારોની મોસમ વચ્ચે બૅન્કિંગ સેવાઓ, બચત યોજનાઓ, ગેસ સબસિડી તેમજ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની કિંમતોમાં થનારા આ ફેરફારો વિશે જાણી લેવું દરેક નાગરિક માટે ખૂબ જ જરૂરી છે. આ 8 મોટા ફેરફાર વિશે વિગતવાર જાણીએ.
1) ગેસ સિલિન્ડર સબસિડી માટે આધાર બાયોમેટ્રિક અનિવાર્ય
ઘરગથ્થુ સબસિડીવાળા રાંધણગેસ (LPG) સિલિન્ડર મેળવવા માટે સરકાર દ્વારા કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી સિલિન્ડર બુકિંગ અને સબસિડીનો લાભ ચાલુ રાખવા માટે આધાર ઓથેન્ટિકેશન કે બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા ગેસ એજન્સી પર, ડિલિવરી સમયે અથવા કંપનીની એપ દ્વારા પૂર્ણ કરી શકાશે.
2) SBI એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાયા
October 2026 Rules Change: સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના કેટલાક સેલેરી પેકેજ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે અન્ય બૅન્કોના એટીએમ વાપરવાના નિયમો બદલાયા છે. આવા ગ્રાહકો હવે અન્ય બૅન્કોના એટીએમમાંથી દર મહિને માત્ર 5 જ મફત વ્યવહારો કરી શકશે, જે અગાઉ 10 હતા. મર્યાદા પૂરી થયા બાદ નાણાકીય વ્યવહાર પર રૂ. 23 અને બિન-નાણાકીય વ્યવહાર પર રૂ. 11 પ્લસ GST ચાર્જ વસૂલવામાં આવશે.
3) SBI BSBD ખાતામાંથી કેશ ઉપાડના નિયમો
બૅન્કના બેઝિક સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ (BSBD) ખાતાધારકો માટે રોકડ ઉપાડ સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ખાતામાંથી મહિના દરમિયાન માત્ર પ્રથમ ચાર વખત જ નિશુલ્ક (મફત) રોકડ ઉપાડ કરી શકાશે. ત્યારબાદ, દરેક વધારાના રોકડ ઉપાડ પર 15 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગુ પડશે. આ ગણતરીમાં આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી (AePS) દ્વારા કરવામાં આવતો રોકડ ઉપાડ પણ સામેલ કરવામાં આવ્યો છે. જો કે, આ ચાર્જ ડિજિટલ વ્યવહારો પર લાગુ થતો નથી, જેથી ગ્રાહકો મફત મર્યાદા પૂરી થયા બાદ કેશ ઉપાડતી વખતે આ બાબતનું ધ્યાન રાખી શકે.
4) FDના વ્યાજદરો અને બલ્ક ડિપોઝિટના નિયમો
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના ફિક્સ્ડ ડિપોઝિટ સાથે જોડાયેલા નવા નિયમો અમલમાં આવ્યા છે. ખાસ કરીને રૂ. 3 કરોડ કે તેથી વધુની બલ્ક ડિપોઝિટ પર બૅન્કોને વ્યાજ દર નક્કી કરવામાં વધુ છૂટ આપવામાં આવી છે, જેથી મોટા થાપણદારોને સ્પષ્ટ અને ડાયરેક્ટ રેટ્સની માહિતી મળી રહે.
5) RBIની બેઠક અને રેપો રેટ પર મોટો નિર્ણય
દેશની નાણાકીય નીતિ નક્કી કરતી રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં રેપો રેટ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાશે. હાલમાં રેપો રેટ 5.25 ટકા છે અને જો તેમાં ફેરફાર થાય તો આવનારા દિવસોમાં લોન અને એફડીના વ્યાજદરો પર તેની સીધી અસર જોવા મળી શકે છે.
6) નાની બચત યોજનાઓની નવી વ્યાજદર સમીક્ષા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટેના નવા વ્યાજદરો જાહેર કરવામાં આવશે, જેનાથી રોકાણકારોને નાણાં રોકવામાં સરળતા રહેશે.
7) ટેક્સ ઓડિટ હેઠળ આવતા કરદાતાઓ માટે ITR ડેડલાઈન
જે કરદાતાઓ ટેક્સ ઓડિટના દાયરામાં આવે છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે. આ ડેડલાઈન તમામ કરદાતાઓ માટે નથી, તેથી સંબંધિત લોકોએ સમયસર રિટર્ન ભરી દેવું જરૂરી છે.
8) તહેવારોમાં કાર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થવાની શક્યતા
તહેવારોની સિઝનમાં સામાન્ય ગ્રાહકોના ખર્ચ પર ભાર વધી શકે છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી ઓટોમોબાઈલ કંપનીઓએ કેટલાક વાહનોના ભાવ વધાર્યા છે. આ ઉપરાંત કોપર, સ્ટીલ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાને કારણે એસી (AC), એલઇડી ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઉપકરણો પણ 3થી 8 ટકા સુધી મોંઘા થવાની સંભાવના છે.

