'ભાજપનું અંતિમ લક્ષ્ય બંધારણ બદલવાનું છે', સંસદીય દળની બેઠક બાદ કોંગ્રેસના આકરા પ્રહાર

સંસદ સત્ર પહેલા કોંગ્રેસ સંસદીય દળના ચેયરપર્સન સોનિયા ગાંધીના આવાસ ખાતે સાંસદોની બેઠક મળી હતી. શુક્રવારે(27 નવેમ્બર) યોજાયેલી કોંગ્રેસની બેઠક દરમિયાન, 30 નવેમ્બરથી શરૂ થનારા સત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પક્ષે સીમાંકન અને લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકાના વધારા અંગે પણ પોતાનું વલણ નક્કી કર્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
સીમાંકન બિલનો વિરોધ કરશે કોંગ્રેસ
બેઠક બાદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, સરકાર સીમાંકન ખરડાને ફરીથી રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. શનિવારે સવારે 11:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં અન્ય રાજકીય પક્ષોની એક બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સ્ટાલિન અને શરદ પવારના નેતૃત્વવાળા જૂથના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
કોંગ્રેસની મુખ્ય 3 માગ
લોકસભાની વર્તમાન સંખ્યાને યથાવત્ રાખવામાં આવે.
લોકસભામાં વર્તમાન સંખ્યા પર મહિલા આરક્ષણ આપવામાં આવે.
આગામી 25 વર્ષ સુધી લોકસભામાં રાજ્યો વચ્ચે બેઠકની હાલની વહેંચણી એમ રાખવામાં આવે.
સીમાંકન અંગે સરકાર સામે કોંગ્રેસના આક્ષેપો
અગાઉ SIR દ્વારા મોદી અને શાહ નક્કી કરતા હતા કે કોણ મતદાન કરી શકશે અને કોણ નહીં. પરંતુ હવે સીમાંકનની પ્રક્રિયા દ્વારા તેઓ એ નક્કી કરવા માગે છે કે લોકો ક્યાં મતદાન કરી શકશે અને ક્યાં નહીં.
PM મોદી અને ગૃહમંત્રી ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધું છે. તેવામાં આ સીમાંકન પ્રક્રિયાથી જનતાને શું લાભ થઈ શકે?
જે શાસનતંત્રએ એક જ દિવસમાં 140થી વધુ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાવી દે અને કાયદો લાવીને મુખ્ય ચૂંટણી કમિશનરને કાયદાકીય સુરક્ષા આપે છે. શું તે ખરેખર સંસદની કામગીરી સુચારુ અને યોગ્ય રીતે ચાલે તેવું ઈચ્છા રાખી શકે?
ભાજપનો ઉદ્દેશ્ય બંધારણમાં ફેરફાર કરવાનો છે. અગાઉના પ્રયાસોમાં નિષ્ફળ ગયા બાદ હવે તેઓ સીમાંકન પ્રક્રિયા દ્વારા પોતાની સંખ્યાબળમાં વધારો કરીને બંધારણ બદલવાનું તેમનું અંતિમ લક્ષ્ય છે.
કોંગ્રેસ-શિવસેનાના સાંસદો માટે વ્હિપ જાહેર
કોંગ્રેસે લોકસભા અને રાજ્યસભામાં પોતાના સાંસદો માટે એક વ્હિપ જાહેર કર્યો છે. જેમાં આગામી અઠવાડિયામાં થનારી વિશેષ બેઠક દરમિયાન પોત-પોતાના ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. તેમજ પાર્ટીએ સાંસદોને આગામી 29 નવેમ્બર સુધી નવી દિલ્હી પહોંચવા કહ્યું છે.
બીજી તરફ, શિવસેનાએ પણ સાંસદોને વિશેષ સત્રમાં સામેલ થવાનો નિર્દેશ કર્યો છે. પાર્ટીના મુખ્ય વ્હિપ શ્રીરંગ બારણેએ આ જાણકારી આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેનાના લોકસભામાં 13 અને રાજ્યસભામાં 2 સાંસદ છે.
લોકસભાની બેઠકોમાં 50% વધારો કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
લોકસભાની બેઠકોની સંખ્યામાં 50% વધારો કરવાના પ્રસ્તાવને શુક્રવારે(27 નવેમ્બર) કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. હાલમાં લોકસભામાં 543 બેઠકો છે. આમ, 50% વધારા બાદ આ સંખ્યા વધીને 815 થશે. એટલે કે તેમાં 272 બેઠકો ઉમેરાશે. આ તમામ વધારાની બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે. જેમાં બેઠકોની આ કુલ સંખ્યા આગામી 25 વર્ષ સુધી યથાવત રહેશે.
સરકાર 30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન આ પ્રસ્તાવને પસાર કરાવવા માગે છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષને આ ખરડા પરની ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.












