'દોષી હોય તો પણ મકાન ના તોડી શકાય', બુલડોઝર એક્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સ

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો પણ તેની બિલ્ડિંગ તોડવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટમાં 'બુલડોઝર ન્યાય' વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'બદલા'ની કાર્યવાહી અંતર્ગત ઘર વગેરે નોટિસ આપ્યા વિના તોડવામાં આવી રહ્યા છે.
આ અરજી જમિયત ઉલેમા-એ-હિંદ સાથે જોડાયેલા મુસ્લિમ સ્કોલર્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ આ અંગે સુનાવણી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટે કહ્યું, 'કોઈ આરોપી હોય એટલા માટે તેનું ઘર કેવી રીતે તોડી શકાય. આ મામલે કોર્ટ આગામી સોમવારે વધુ સુનાવણી કરશે.
વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. આ અરજી જહાંગીરપુરી કેસ મામલે વકીલ ફારુખ રાશિદે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, ખાસ કરીને લઘુમતીઓ સામે દમનનું ચક્ર ચલાવી રહી છે, તેમના ઘરો અને મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવે છે. જેનાથી પીડિતોને કાનૂની ઉપાયો મેળવવાની તક મળતી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોઈપણ ગેરકાયદેસર બાંધકામને રક્ષણ આપશે નહીં જે જાહેર રસ્તાઓને અવરોધે છે. કોર્ટે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો માંગ્યા છે જેથી કરીને તે દેશભરમાં મિલકતોને તોડી પાડવા અંગે યોગ્ય માર્ગદર્શિકા જારી કરી શકે.






