'પ્રદર્શનકારી ડોક્ટરો કામ પર પરત ફરે..., કોલકાતા કાંડ પર સુપ્રીમે કરી આ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસન

સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ અંગે 17 સપ્ટેમ્બર સુધીમાં નવો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે વિરોધ કરી રહેલા ડોક્ટરોને કડક ચેતવણી આપતા કહ્યું કે, તેઓ કામ પર પાછા નહીં ફરે તો કાર્યવાહી કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુમ થયેલા પોસ્ટમોર્ટમ દસ્તાવેજો પર બંગાળ સરકારને પણ ફટકાર લગાવી. આ મામલે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. કોર્ટે એવો પણ સવાલ પૂછ્યો હતો કે, હોસ્પિટલ અને પ્રિન્સિપાલના ઘર વચ્ચે કેટલું અંતર છે? સુપ્રીમ કોર્ટે અકુદરતી મૃત્યુના અહેવાલો દાખલ કરવાના સમય અંગે પણ સ્પષ્ટતા માંગી હતી. આ કેસમાં કોલકાતા સરકારના એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે, મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1:47 વાગ્યે જારી કરવામાં આવ્યું હતું, પરંતુ FIR બપોરે 2:55 વાગ્યે નોંધવામાં આવી હતી.
સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા સીલબંધ કવર હેઠળ દાખલ કરાયેલા અહેવાલનીચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે નોંધ લીધી હતી. ખંડપીઠે કહ્યું, "સીબીઆઈ દ્વારા એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, એવું લાગે છે કે તપાસ ચાલી રહી છે, અમે સીબીઆઈને એક નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે નિર્દેશ કરીએ છીએ."
સુપ્રીમ કોર્ટે ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ સીબીઆઈને સોંપ્યા બાબતે પણ સવાલ કર્યા હતા. સોલિસિટર તુષાર મહેતાએ પુષ્ટિ કરી કે કુલ 27 મિનિટની ચાર ક્લિપ્સ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના ગૃહ વિભાગને CISFની ત્રણ કંપનીઓને રહેવાની સુવિધા અને જરૂરી સુરક્ષા સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.






