મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતમાં પ્રથમવાર સામે આવ્યો દુર્લભ મેડિકલ કેસ, વિશ્વમાં માત્ર 24 જ કેસ!

ભારતમાં પહેલીવાર દુર્લભ રોગની શોધ થઈ છે. આ એટલું નવું અને

ભારતમાં પ્રથમવાર સામે આવ્યો દુર્લભ મેડિકલ કેસ, વિશ્વમાં માત્ર 24 જ કેસ!

ભારતમાં પહેલીવાર દુર્લભ રોગની શોધ થઈ છે. આ એટલું નવું અને અનોખું છે કે, ભારતમાં આ પહેલા ક્યારેય આવો કોઈ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી. અત્યાર સુધી વિશ્વભરમાં તબીબી વિજ્ઞાન સાહિત્યમાં માત્ર 24 કેસ નોંધાયા છે. તેમાંથી કોઈ પણ ભારતના નહોતા. આ અનોખા રોગનું નામ છે બાઇલેટરલ ટ્રાઇજેમિનલ ન્યુરોલ્જિયા. મહારાષ્ટ્રમાં આ પહેલો કેસ સામે આવ્યો છે. જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના ડૉક્ટરોની એક ટીમે અદ્યતન ન્યુરોસર્જરી દ્વારા બાઇલેટરલ ટ્રાઇજેમિનલ ન્યુરોલ્જિયાથી પીડિત 56 વર્ષીય મહિલાની સફળતાપૂર્વક સારવાર કરી. જે બાદ હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'પ્રાથમિક બાઇલેટરલ ટ્રાઇજેમિનલ ન્યુરોલ્જિયા અત્યંત દુર્લભ રોગ છે. તેના માત્ર 0.6થી 5.9 ટકા કેસ નોંધાયા છે. આમાં બાઇલેટરલ માઇક્રોવાસ્ક્યુલર ડિકોમ્પ્રેસન (MVD) કરવામાં આવ્યું હતું. પરિણામે, દર્દીને પીડામાંથી સંપૂર્ણ રાહત મળી.

જ્યારે દર્દથી પીડાતા દર્દીને આવવા લાગ્યા આપઘાત કરવાના વિચાર...

આ રોગને કારણે, મહારાષ્ટ્રની રહેવાસી કિરણ અવસ્થીને પાંચ વર્ષથી તેના ચહેરાની બંને બાજુએ તીવ્ર ઝટકા જેવી પીડા થઈ રહી હતી. મહિલાની આ પીડા ઘણી મિનિટો સુધી ચાલુ રહી. આ કારણે તેને વાત કરવામાં, જમવામાં, દાંત સાફ કરવામાં અને ઠંડી હવાના સંપર્કમાં આવવામાં પણ તકલીફ પડતી હતી.

આ રોગની યોગ્ય સારવારના અભાવે મહિલાને અનેક સારવાર કરવા છતાં કોઈ રાહત મળી ન હતી. અસહ્ય દુઃખાવાના કારણે તેના માટે રોજિંદા ઘરના કામકાજ કરવા મુશ્કેલ બની ગયા હતા. તે આપઆઘાતના વિચાર કરવા લાગી હતી. તે પછી, ગયા વર્ષે ઓક્ટોબરમાં, એમઆરઆઈ સ્કેનથી જાણવા મળ્યું કે, વેસ્ક્યુલર લૂપ્સ તેના ટ્રાઇજેમિનલ ચેતા પર દબાણ લાવી રહ્યા હતા. તેને પ્રાથમિક બાઇલેટરલ ટ્રાઇજેમિનલ ન્યુરોલ્જિયા હોવાનું નિદાન થયું હતું. જસલોક હોસ્પિટલના ન્યુરોસર્જન રાઘવેન્દ્ર રામદાસીએ કહ્યું, 'બાઇલેટરલ ટ્રાઇજેમિનલ ન્યુરોલ્જિયા સૌથી પીડાદાયક સ્થિતિઓમાંની એકના રૂપમાં ઓળખાય છે. આ દુર્લભ કેસની ભારતમાં પહેલી વખત બાઇલેટરલ માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશન સાથે સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. દર્દીને પાંચ વર્ષ પછી ફરીથી સામાન્ય જીવન જીવતા જોવું એ આપણાં માટે સૌથી મોટો પુરસ્કાર છે.

કઈ દવાઓ છે અસરકારક?

આમાં કાર્બામાઝેપિન, ગેબાપેન્ટિન, લેમોટ્રીજીન અને ટોપીરામેટ જેવી દવાઓ રાહત આપી શકે છે. માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશન એ શ્રેષ્ઠ સારવાર છે. દર્દીની ડાબી બાજુનું પહેલું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક અઠવાડિયા પછી જમણી બાજુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરે કહ્યું, 'સર્જરી પછી દર્દીને પીડામાંથી સંપૂર્ણ રાહત મળી ગઈ. આ સાથે તેનું જીવન સામાન્ય બની શકે છે. છ મહિના પછી, તે હવે પીડારહિત જીવન જીવી રહી છે. તેને નવું જીવન આપવા બદલ ડૉક્ટરનો આભાર માનતા કિરણે કહ્યું કે, તે મૃત્યુના દરવાજામાંથી પરત આવી છે. અસહ્ય દુઃખાવાના કારણે તે આપાઘાત કરવાનું વિચારવા લાગી હતી.

આ સમાચાર શેર કરો