Lok Sabha Elections 2024: ખાતામાં માત્ર 7 રૂપિયા, કોણ છે ચોથા તબક્કાના સૌથી ગરીબ ઉમેદવાર
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13 મેએ યોજાશે. આ તબક્કામાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ સહિત 10 રાજ્યની 96 બેઠક પર

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13 મેએ યોજાશે. આ તબક્કામાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ સહિત 10 રાજ્યની 96 બેઠક પર મતદાન થશે. ADRના રિપોર્ટ અનુસાર, ચોથા તબક્કામાં કુલ 1,717 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશી ગુંટૂર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા TDPના ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની સૌથી અમીર ઉમેદવાર છે. પેમ્માસાનીએ પોતાની કુલ સંપત્તિ 5,705 કરોડ રૂપિયા કરતા વધારે જાહેર કરી છે. બીજી તરફ સૌથી ગરીબ ઉમેદવાર આંધ્ર પ્રદેશના એક અપક્ષ ઉમેદવાર કટ્ટા આનંદ બાબુ છે, જેમને એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ માત્ર 7 રૂપિયા બતાવી છે.
ADRના રિપોર્ટ અનુસાર કટ્ટા આનંદ બાબુએ દાવો કર્યો કે તેમની પાસે માત્ર 7 રૂપિયા જ છે. આનંદ બાબુ આંધ્ર પ્રદેશના બાપટલા (SC) લોકસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. આ રીતે મહારાષ્ટ્રના માવલથી ચૂંટણી લડતા સંતોષ ઉબાલેએ 83 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે જ્યારે ભોર વિકાસ રોહિદાસે પોતાની સંપત્તિ 90 રૂપિયા જાહેર કરી છે.
28 ટકા ઉમેદવાર કરોડપતિ
ADR અને નેશનલ ઇલેક્શન વોચે 1717માંથી 1710 ઉમેદવારના ચૂંટણી એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. ADRના રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 476 ઉમેદવાર (28 ટકા)એ પોતાની સંપત્તિ એક કરોડ કરતા વધુ જાહેર કરી છે. બીજી તરફ ઉમેદવારોની એવરેજ સંપત્તિ 11.72 કરોડ રૂપિયા છે.
આંધ્ર પ્રદેશના ગુંટૂરથી ચૂંટણી લડી રહેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની પાસે 5,705 કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ છે જ્યારે બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે, તેમના પાસે 4,568 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રેડ્ડી તેલંગાણાની ચેવેલ્લાથી ચૂંટણી મેદાનમાં છે.
ADR દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ચોથા તબક્કામાં ભાજપના 70 ઉમેદવારમાંથી 65 કે 93 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 56 ઉમેદવાર કરોડપતિ છે. બીજી તરફ શિવસેના (UBT), બીજુ જનતા દળ (BJD), રાષ્ટ્રીય જનતા દળ (RJD), TDP, ભારત રાષ્ટ્ર સમિતિ અને શિવસેનાએ જેટલા ઉમેદવાર ઉતાર્યા છે તે પણ કરોડપતિ છે.








