'6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે...,' પીએમ મોદી વિરુદ્ધ અરજી પર સોમવારે હાઈકોર્ટમાં થશે સુનાવણી
લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચારસંહિતાનો ભંગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટમ

લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચારસંહિતાનો ભંગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં પીએમ મોદી પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભાષણ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોની સાથે સાથે શીખોના ધર્મસ્થળોના નામ પર તેમની પાર્ટી માટે મત માંગ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી હાઈકોર્ટના વકિલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરાયેલી આ અરજી પર 29 એપ્રિલ અર્થાત સોમવારે સુનાવણી થશે.
દિલ્હી હાઈકોર્ટ હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે મત માંગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ સચિન દત્તાની કોર્ટમાં શુક્રવારે સુનાવણી થવાની હતી પરંતુ તેઓ રજા પર હોઈ હવે 29 એપ્રિલને સોમવારે આ કેસની સુનાવણી કરશે. આ અરજી વ્યવસાયે વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી છે.
https://twitter.com/LiveLawIndia/status/1783482675724198365
જોંધલેએ ઈસીઆઈને પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટ હેઠળ વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણીમાંથી ગેરલાયક ઠેરવવા માટે નિર્દેશની માંગ કરી છે. તેમને "ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે" મત માંગવાથી રોકવા માટે કહેવાયું છે. જોંધલેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને તેમને ગેરલાયક ઠેરવવા ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ ECI સમક્ષ ફરિયાદ કરી હતી. જો કે, તેમનો આરોપ છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. તે બાદ તેમણે આ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં પીએમ મોદીની 9 એપ્રિલની પીલીભીતમાં થયેલી રેલીનો હવાલો આપવામાં આવ્યો છે.






