દાદાની સંપત્તિ પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નહીં, મિલકત પર દાવો ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

દાદાની સંપત્તિ પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નહીં, મિલકત પર દાવો ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દાદાની સંપત્તિમાં પિતાને મળેલા હિસ્સામાં પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નથી હોતો તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ દ્વારા એક સંપત્તિના મામલામાં કરવામાં આવી હતી. દાદાની સંપત્તિની વહેંચણી સમયે પિતાને જે સંપત્તિ મળી હોય તે તેની વ્યક્તિગત સંપત્તિ બની જાય છે. એવામાં પિતા જીવિત હોય એવા સમયે આ સંપત્તિ પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નથી ગણાતો.

હિન્દુ ઉત્તરાધિકાર કાયદો ૧૯૫૬ની કલમ ૮ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. તમિલનાડુના જે. રાજેશ અને એમ. કુમારનના સંપત્તિના વિવાદમાં સુપ્રીમના ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ અને સુનીતા અગ્રવાલની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે વસીયત વગર જ દાદાનું મોત થાય તો તેવા કેસમાં સંપત્તિની વહેચણી પ્રથમ કેટેગરીના વારસદારો વચ્ચે થાય છે. એવામાં પિતાને જો કોઇ હિસ્સો મળે તો તે સંયુક્ત હિન્દુ પરિવારની સંપત્તિ નથી રહી જતો. પિતા સ્વતંત્ર રીતે આ સંપત્તિના માલિક ગણાય. તેથી પિતાને પોતાની આ સંપત્તિ વેચવા, અન્ય કોઇ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવાનો અધિકાર છે.

જાહેરાત

પુત્ર પોતાના હયાત પિતાની આ સંપત્તિ પોતાના નામે ના કરાવી શકે, અથવા તો પિતા દ્વારા તેને વેચવામાં આવી રહી હોય તો તેના પર રોક ના લગાવી શકે, સંપત્તિમાંથી પોતાનો હિસ્સો પણ ના માગી શકે. હિન્દુ ઉત્તરાધિકાર ૧૯૫૬ની કલમ ૮ મુજબ પ્રથમ કેટેગરીના વારસદારોમાં પત્ની, પુત્ર, પુત્રી સામેલ છે. જ્યારે દાદાનું મોત થાય ત્યારે સંપત્તિ આ લોકો વચ્ચે વહેંચવામાં આવતી હોય છે. જ્યારે પિતાનું મોત થાય છે ત્યારે પુત્ર આ સંપત્તિનો પ્રથમ કેટેગરીનો વારસદાર બની જાય છે. આ સમગ્ર મામલો ૧૮૧૧ ફુટ જમીન સાથે જોડાયેલો છે. આ જમીન અરજદાર જે. રાજેશના દાદાની હતી, વર્ષ ૧૯૯૪માં પરિવાર વચ્ચે સંપત્તિની વહેંચણી થઇ, જેમાંથી એક હિસ્સો રાજેશના પિતાને મળ્યો હતો. પિતાએ આ સંપત્તિ કોઇને વહેંચવાનો નિર્ણય કર્યો હતો જેની સામે પુત્ર રાજેશે અપીલ કરી હતી. મામલો હાઇકોર્ટ પહોંચ્યો, હાઇકોર્ટે પુત્રની અરજીને ફગાવતા બાદમાં સુપ્રીમમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવી પુત્રની અરજી ફગાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત