પરિસીમન બિલ દેશને વિભાજિત કરવાનો એજન્ડા: કેસી વેણુગોપાલનો આક્ષેપ, કહ્યું- ‘આ સંસદની ચોરી સમાન’

પ્રસ્તાવિત પરિસીમન (Delimitation) બિલને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં બિલને દેશને વિભાજિત કરવાના એજન્ડા સાથે જોડાયેલું ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે આ બિલ ભારતની મૂળ ભાવના અને બંધારણીય માળખાની વિરુદ્ધ છે. મીડિયા અહેવાલો અનુસાર, વેણુગોપાલે તેને ‘વિભાજનકારી એજન્ડા’ અને ‘સંસદની ચોરી’ ગણાવ્યું હતું. વેણુગોપાલે કહ્યું કે આ બિલ પાછળ અનેક છુપાયેલા એજન્ડા છે અને બંધારણનું સન્માન કરનાર કોઈપણ વ્યક્તિ આવા એજન્ડાને સમર્થન આપી શકે નહીં. તેમણે દક્ષિણ ભારત, પૂર્વોત્તર અને નાના રાજ્યોના પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગની મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળવા અંગે પણ તેમણે અગાઉ સવાલો ઉઠાવ્યા હતા.
INDIA ગઠબંધનની બેઠકમાં બિલનો વિરોધ
‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધનની બેઠકમાં વિપક્ષી પક્ષોએ પ્રસ્તાવિત બિલનો વિરોધ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. વિપક્ષે લોકસભાની હાલની બેઠકો આગામી 25 વર્ષ સુધી યથાવત રાખવાની માંગ કરી છે. બીજી તરફ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના સંભવિત વલણ અંગે વેણુગોપાલે સવાલ ઉઠાવ્યા હતા. DMKએ જોકે તમિલનાડુના પ્રતિનિધિત્વની સુરક્ષા અને બિલની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પોતાનું વલણ નક્કી કરવાની વાત કરી છે.
BRSએ સમર્થન આપવાની જાહેરાત કરી
તેલંગાણાના ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામારાવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની પાર્ટીનું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે કે દક્ષિણ ભારતનું સંસદીય પ્રતિનિધિત્વ ઘટવું જોઈએ નહીં. તેલંગાણાને અન્યાય ન થવો જોઈએ અને સંસદમાં દક્ષિણ ભારતની હાલની 24 ટકા હિસ્સેદારી સુરક્ષિત રહેવી જોઈએ. તેમણે જણાવ્યું કે લોકસભાની બેઠકોમાં પ્રસ્તાવિત 50 ટકાનો વધારો અને વર્ષ 2051 સુધી રાજ્યો વચ્ચે પ્રતિનિધિત્વના પ્રમાણમાં ફેરફાર નહીં કરવાની જોગવાઈથી તેમની મુખ્ય ચિંતાઓનું સમાધાન થાય છે. આ પ્રસ્તાવથી તેલંગાણાની લોકસભા બેઠકો 17થી વધીને 26 થવાની છે. તેથી BRSના ત્રણેય રાજ્યસભા સાંસદો પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરશે. પાર્ટીએ મહિલા અનામતને પણ સમર્થન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
શિવસેના (UBT)એ સમર્થન આપવાનો ઇનકાર કર્યો
બીજી તરફ, NCP-SP દ્વારા બિલને સમર્થન આપવામાં આવતાં શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અગાઉ NCP-SPએ આ જ બિલનો વિરોધ કર્યો હતો, તો હવે અચાનક એવું શું બદલાયું કે પાર્ટીએ પોતાનું વલણ બદલી નાખ્યું? સાવંતે વધુમાં કહ્યું કે માત્ર આંકડાઓને જોઈને નિર્ણય ન લેવો જોઈએ. આંકડાઓ ઉપરથી આકર્ષક લાગી શકે છે, પરંતુ તેમની પાછળની નીતિ અંગે પણ વિચારવું જરૂરી છે. તેમના મતે આ નીતિ દેશને વિભાજિત કરનારા વિચારો સાથે જોડાયેલી છે. આમ, પ્રસ્તાવિત પરિસીમન બિલને લઈને વિપક્ષી ગઠબંધનમાં પણ અલગ-અલગ પક્ષોના વલણને કારણે રાજકીય ચર્ચા તેજ બની છે.












