પાણીના બે સેમ્પલ ટેસ્ટમાં ફેલ થતાં Bisleriનું નિવેદન આવતા વિવાદ વકર્યો

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ બિસલેરી (Bisleri)એ FSSAIની કાયદાકીય કાર્યવાહી અને પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ થવાના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે આ મામલો લગભગ 14 મહિના જૂનો છે. મહત્ત્વનું છે કે બિસલેરીના પાણીના સેમ્પલ બે વખત લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા હતા, જેના પગલે સરકારી સંસ્થા FSSAIએ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
ગોવા પ્લાન્ટમાંથી લેવાયેલા છમાંથી પાંચ સેમ્પલ પાસ થયા
હવે બિસલેરી ઇન્ટરનેશનલે આજે સોમવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ મામલો 14 મહિના જૂનો છે. ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ FSSAIની ટીમે ગોવા પ્લાન્ટમાંથી કુલ 6 સેમ્પલ લીધા હતા. તેમાંથી 5 સેમ્પલ ગુણવત્તાના તમામ માપદંડો પર સંપૂર્ણપણે ખરા ઉતર્યા હતા. જ્યારે છઠ્ઠા સેમ્પલની પ્રારંભિક તપાસમાં બ્રોમેટ (Bromate)નું પ્રમાણ 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું, જે નિર્ધારિત 10 માઇક્રોગ્રામ પ્રતિ લિટરની મર્યાદા કરતાં થોડું વધારે હતું.
રેફરલ લેબના રિપોર્ટમાં બ્રોમેટ અને PAHs અંગે અલગ તારણ
કંપનીના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2025માં અપીલ કર્યા બાદ સેમ્પલને રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તપાસ દરમિયાન બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદામાં હોવાનું જણાયું હતું, પરંતુ પાણીમાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી હોવાનું જણાવાયું હતું. બંને લેબોરેટરીના રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળતાં બિસલેરીએ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર લેબોરેટરીમાં એ જ બેચના પાણીની ફરીથી તપાસ કરાવી હતી. આ તપાસમાં પાણી તમામ સુરક્ષા માપદંડો પર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું.
સ્વતંત્ર લેબના પરીક્ષણમાં પાણી તમામ માપદંડો પર સુરક્ષિત
એટલે કે, બંને લેબોરેટરીના રિપોર્ટમાં તફાવત જોવા મળ્યા બાદ કંપનીએ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત એક બાહ્ય લેબોરેટરીમાં ગોવા ફેક્ટરીમાં તૈયાર થયેલા એ જ તારીખ અને એ જ લોટના પાણીના સેમ્પલની ફરીથી તપાસ કરાવી હતી. આ પરીક્ષણમાં પાણી તમામ માપદંડો પર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે, 'પીવાના પાણીની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે ગુણવત્તા પર સતત કડક નજર રાખીએ છીએ અને આ મામલાને યોગ્ય નિયમનકારી પ્રક્રિયા દ્વારા ઉકેલવા માટે FSSAI સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું.'
નવ મહિના બાદ FSSAIએ બિસલેરી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી
ગોવા પ્લાન્ટ સાથે જોડાયેલા આ મામલે લગભગ 9 મહિના સુધી કોઈ મોટી કાર્યવાહી અંગે માહિતી સામે આવી ન હતી. જોકે, રવિવારે (22 નવેમ્બર 2026) FSSAIએ જાહેરાત કરી હતી કે બે અલગ-અલગ લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં પાણીના સેમ્પલ ફેલ થયા હોવાથી હવે બિસલેરી સામે કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.














