જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરી આતંકી હુમલો, મેજર સહિત 4 જવાનો ઘાયલ, એક શહીદ; એક આતંકવાદીનું મોત
જમ્મુ અને કાશ્મીરના એલઓસી નજીક કુપવાડા જિલ્લામાં આજે સવારે સેના અન

જમ્મુ અને કાશ્મીરના એલઓસી નજીક કુપવાડા જિલ્લામાં આજે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે, આ સાથે જ એક મેજર સહિત વધુ ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. ઘાયલ જવાનોને ઘટનાસ્થળેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુપવાડામાં છેલ્લા એક મહિનામાં આ ચોથી આતંકી ઘટના છે.
અહેવાલ મુજબ, તહરગામ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સૈનિકો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાને કુમકડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જવાનોએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સેના દ્વારા વધુ જવાનો મોકલીને આ આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ હુમલામાં પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની ટીમ સામેલ છે. હુમલામાં સામેલ BAT ટીમ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરતા SSG કમાન્ડો સહિત પાકિસ્તાનની નિયમિત સેનાના સૈનિકો હોવાની શંકા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2021માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુમાં આતંકી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે.






