મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તેજસ્વી યાદવ પોતાની પાર્ટીના જ ઉમેદવાર વિરુદ્ધ કરશે ચૂંટણી પ્રચાર, કેમ કોકડું ગૂંચવાયું?

બિહારમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ટિકિટ વહેંચણી મુદ્દે મહાગઠબંધનમાં ચાલી રહેલી

તેજસ્વી યાદવ પોતાની પાર્ટીના જ ઉમેદવાર વિરુદ્ધ કરશે ચૂંટણી પ્રચાર, કેમ કોકડું ગૂંચવાયું?

બિહારમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ટિકિટ વહેંચણી મુદ્દે મહાગઠબંધનમાં ચાલી રહેલી ખેંચાતાણથી રાજકીય ગરમાવો છે. RJDએ સૌથી વધુ ૧૪૩ ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ૬૦ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જ્યારે મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપી ૧૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ૮ બેઠકો એવી છે જ્યાં મૈત્રીપૂર્ણ લડાઈ છે. એક બેઠક એવી પણ છે જેના પર તેજસ્વી યાદવ પોતે પોતાના પક્ષના ઉમેદવારની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરશે.

દરભંગા જિલ્લાની ગૌડા બૌરમ બેઠક માટે મહાગઠબંધનમાં સીટ શેયરિંગની વાત ફાયનલ થાય તે પહેલા જ RJD એ અફઝલ અલી ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીના નેતૃત્વએ તેમને નિશાન અને દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. તેઓ પટણાથી પોતાના ઘરે જવા રવાના થયા બાદ આરજેડી અને મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી વચ્ચે બેઠક વહેંચણીનો સોદો થયો. કરારમાં એવી શરત હતી કે, ગૌડા બૌરમ બેઠક પર વીઆઈપી ઉમેદવાર ચૂંટણી લડશે, જેને તમામ મહાગઠબંધન સાથીઓ દ્વારા ટેકો આપવામાં આવશે. વિકાસશીલ પાર્ટીએ સંતોષ સાહનીને પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે. 

આરજેડી નેતાઓએ અફઝલ અલીનો સંપર્ક કરીને તેમનો સિમ્બોલ પરત આપવા અને ચૂંટણીમાં ઊભા ન રહેવા માટે કહેતા અફઝલ અલીએ તેમ કરવાની ના પાડી દીધી. તેમણે RJD ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન દાખલ કર્યું. જોકે, RJDએ જણાવ્યું હતું કે તેઓ અફઝલ અલી ખાનને પોતાના ઉમેદવાર તરીકે માન્યતા નહીં આપે. વહિવટીતંત્રે જણાવ્યું હતું કે, તેમની ઉમેદવારી થઈ ચૂકી છે. બધા દસ્તાવેજો સબમીટ થઈ ગયા હોઈ તેમને હવે ચૂંટણીમાંથી હટાવી શકાશે નહીં. 
 
ચૂંટણી દરમિયાન EVM પર અફઝલ અલીના નામની બાજુમાં આરજેડીનું ફાનસ પ્રતીક દેખાશે. તેજસ્વી યાદવ અફઝલ અલી સામે પ્રચાર કરશે. મહાગઠબંધનના તમામ પક્ષો આ બેઠક પર VIP ઉમેદવાર સંતોષ સાહનીને ટેકો આપી રહ્યા છે. હવે જોવાનું એ છે કે અફઝલ અલી આ બેઠક પર મહાગઠબંધનને કેટલું નુકસાન પહોંચાડી શકે છે.

આ સમાચાર શેર કરો