ક્યા આધારે 77 મુસ્લિમ જાતિઓને OBC ક્વોટા આપ્યો, સુપ્રીમે મમતા સરકાર પાસે માંગ્યો જવાબ
બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને OBC અનામત આપવાના નિર્ણય અંગે સુપ્રીમ કોર્

બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને OBC અનામત આપવાના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે, મમતા સરકારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, એટલે મમતાએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, રાજ્ય સરકારે 77 જાતિઓને ઓબીસીનો દરજ્જો કયા આધારે આપ્યો હતો. આમાંની મોટાભાગની જાતિઓ મુસ્લિમ ધર્મનું પાલન કરે છે. જણાવી દઈએ કે, કલકત્તા હાઈકોર્ટે મે મહિનામાં જ આ અનામતને ગેરકાયદેસર જાહેર કરી હતી. સાથે જ 77 જાતિઓને OBCની યાદીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ. જેમાં બંગાળ સરકારના વકીલે હાઈકોર્ટ પર જ આકરા પ્રહારો કર્યા હતા. દલીલો દરમિયાન બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને પૂછ્યું કે શું હાઈકોર્ટ પોતે રાજ્ય ચલાવવા માંગે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન બંગાળ સરકારના વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે હાઈકોર્ટે તેની મર્યાદાથી આગળ વધીને નિર્ણય આપ્યો છે.
આ વર્ષે મે મહિનામાં હાઈકોર્ટે 77 મુસ્લિમ જાતિઓને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. આ સાથે હાઈકોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયનો રાજકીય સ્વાર્થ પૂરો કરવા માટે કોમોડિટી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં બંગાળ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને આમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.






