'CJI પોસ્ટ ઓફિસ નથી', જસ્ટીસ વર્મા કેશ કાંડ કેસમાં કપિલ સિબ્બલને સુપ્રીમની ફિટકાર
સુપ્રીમ કોર્ટમાં બુધવારે ફરી એકવાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની ભલામણને પડક

સુપ્રીમ કોર્ટમાં બુધવારે ફરી એકવાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની ભલામણને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલની દલીલોનો જોરદાર જવાબ આપ્યો. કપિલ સિબ્બલે જસ્ટિસ વર્માનો બચાવ કરતા આંતરિક સમિતિની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. કપિલ સિબ્બલે કહ્યું કે, એવી કોઈ જોગવાઈ નથી કે આંતરિક તપાસના આધારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ સામે મહાભિયોગની ભલામણ કરવામાં આવે. તેમણે તપાસ સમિતિના સદસ્ય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
તપાસ સમિતિએ કેશ કાંડમાં જસ્ટિસ વર્માની ભૂમિકા ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશે પીએમ અને રાષ્ટ્રપતિને જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવાની ભલામણ કરી હતી. કપિલ સિબ્બલે આ બાબતે સવાલ ઉઠાવતા બેન્ચે સખ્તાઈથી જવાબ આપ્યો હતો. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કહ્યું, 'ઇન-હાઉસ તપાસની સિસ્ટમ 1999માં આવી હતી. તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ પોસ્ટ ઓફિસ નથી.' દેશ પ્રત્યે તેમની પણ કેટલીક જવાબદારી છે. જો મુખ્ય ન્યાયાધીશને તપાસમાં એવું લાગ્યું કે કંઈક ખોટું થયું છે તો તેઓ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને જણાવી શકે છે.'
કપિલ સિબ્બલે કહ્યું કે જો તમે પહેલાથી જ તમારું મન બનાવી લીધું હોય તો શું કરી શકાય. કોર્ટે કહ્યું કે, તમે ગમે તે દલીલ કરશો તો અમે ચૂપ રહીશું? આ યોગ્ય નથી એટલે અમે બોલીએ છીએ. કપિલ સિબ્બલે કહ્યું કે, જે રીતે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવામાં આવી રહ્યો છે, તે જો આગળ વધશે તો ખોટો મેસેજ જશે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરી શકાતી નથી. કોર્ટે કહ્યું કે, તમે રિપોર્ટને વચ્ચે ના લાવો. તમારો મુદ્દો એ છે કે કમિટિ ગેરબંધારણીય હતી કે નહીં. ફક્ત એના ઉપર વાત કરો.
જસ્ટિસ દત્તાએ કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ ન્યાયાધીશને દૂર કરી શકે છે. પરંતુ આ માટે કોઈ કાયદો નથી. જો તેઓ આવો કાયદો બનાવે છે, તો અમે તેની તપાસ કરીશું. બેન્ચે તપાસ પેનલને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરતી જસ્ટિસ યશવંત વર્માની અરજી પર નિર્ણય અનામત રાખ્યો છે.





