બિહાર SIR મુદ્દે વિવાદનો અંત, સુપ્રીમે 19 ઓગસ્ટ સુધી હટેલા નામ જાહેર કરવા ચૂંટણી પંચને આદેશ
ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ ક

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના SIR સામે દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનને કહ્યું કે, 19 ઓગસ્ટ સુધીમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરવામાં આવે. આ સિવાય આ આદેશ પાલનનો રિપોર્ટ પણ 22 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રજૂ કરવો. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ એવા મતદારોની યાદી શેર કરવા સંમત થયું જેઓના મોત થયા છે અથવા તો જિલ્લા સ્તરે સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અન્ય સ્થળોએ ગયા છે.
બિહાર SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી હવે 23 ઓગસ્ટે થશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે લોકોના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા છે તેમને સુનાવણી માટે 30 દિવસનો સમય મળશે. ચૂંટણી પંચ એ પણ જણાવશે કે આ લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે. જો કોઈને વાંધો હોય તો તે સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ વોટર લીસ્ટમાં તેમના નામનો સમાવેશ કરી શકાશે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, તમારે વેબસાઇટ અને સ્થાનની વિગતો માટે જાહેર નોટિસ જારી કરવા મુદ્દે વિચારવું જોઈએ. જ્યાં લોકો (મૃત, સ્થળાંતરિત અથવા અન્ય સ્થળોએ ગયાની) ની માહિતી શેર કરી શકાય. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે, અમે રાજકીય પક્ષોના કાર્યકરોને મૃત, સ્થળાંતરિત અથવા અન્ય સ્થળોએ ગયેલા લોકોના નામોની યાદી આપી છે. કોર્ટે આ અંગે સખ્તાઈ દર્શાવતા કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે નાગરિકોનો અધિકાર રાજકીય પક્ષોના કાર્યકરો પર નિર્ભર રહે.
કોર્ટે કહ્યું - લોકોને ભૂલો સુધારવાની તક મળશે
બેન્ચે કહ્યું કે નોટિસ બોર્ડ અથવા વેબસાઇટ પર મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અથવા અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા મતદારોના નામ દર્શાવવાથી અજાણતા ભૂલો સુધારવાની તક મળશે.






