રેલવે ક્વાર્ટરમાં ગેરકાયદેસર રોકાણ ભારે પડ્યું: CATનો આદેશ, કર્મચારી પાસેથી ₹26.7 લાખનું દંડાત્મક ભાડું વસૂલાશે

મુંબઈમાં આવેલા પશ્ચિમ રેલવેના એક કર્મચારી માટે ક્વાર્ટરમાં વધારે પડતું રહેવું અસાધારણ રીતે મોંઘું સાબિત થયું છે. આ કર્મચારી ક્વાર્ટરની ફાળવણી રદ થયા પછી પણ આશરે 20 મહિના સુધી ત્યાં ગેરકાયદેસર રીતે રોકાઈ રહ્યો હતો. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) ની અમદાવાદ બેંચે પશ્ચિમ રેલવેના તે નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે, જેમાં કર્મચારી પર અનધિકૃત કબજો રાખવા બદલ ₹26.7 લાખનું દંડાત્મક ભાડું (Penal rent) વસૂલવાનો આદેશ અપાયો હતો.
મહેન્દ્ર કશ્યપ નામના આ કર્મચારીને વર્ષ 2012માં મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં આવેલી રેલવે કોલોનીમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. જોકે, ગેરકાયદેસર રીતે સબલેટિંગ (બીજાને ભાડે આપી દેવું) કરવા અને રહેઠાણનો દુરુપયોગ કરવાની તકેદારી વિભાગની (Vigilance) ફરિયાદો સામે આવ્યા બાદ, પશ્ચિમ રેલવેએ ઓક્ટોબર 2023માં આ ફાળવણી રદ કરી દીધી હતી. કશ્યપને તાત્કાલિક ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તરત ખાલી કર્યું નહીં.
ત્યારબાદ પશ્ચિમ રેલવેએ સરકારી પરિસર (અનધિકૃત રહેવાસીઓની બેદખલી) અધિનિયમ, 1971 હેઠળ કાર્યવાહી શરૂ કરી અને 22 નવેમ્બર, 2023ના રોજ કારણ દર્શાવો નોટિસ જારી કરી. ત્યારબાદ 16 ડિસેમ્બર, 2024ના રોજ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. આખરે 7 જુલાઈ, 2025ના રોજ આ ક્વાર્ટર ખાલી કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસને 4 નવેમ્બર, 2023થી 7 જુલાઈ, 2025 સુધીના સમયગાળાને ગેરકાયદેસર કબજો ગણીને તે મુજબ દંડાત્મક ભાડાની ગણતરી કરી હતી.
રેલવેએ કશ્યપના પગારમાંથી દર મહિને ₹25,000 કાપીને આ રકમની વસૂલાત પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કશ્યપની બદલી મુંબઈથી નંદુરબાર, પછી વડોદરા અને અંતે અમદાવાદ ડિવિઝનમાં કરવામાં આવી હતી. તેમણે પોતાની બદલીના નિર્ણયને કેટ (CAT) ની મુંબઈ બેંચ સમક્ષ પડકાર્યો હતો પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સિવાય ખરાબ તબિયત અને પુત્રના શિક્ષણના આધારે મુંબઈનું ક્વાર્ટર પોતાની પાસે રાખવાની તેમની વિનંતી પણ માન્ય રાખવામાં આવી નહોતી.
ત્યારબાદ કશ્યપે આ આકરા દંડાત્મક ભાડા વિરુદ્ધ કેટ (CAT) ની અમદાવાદ બેંચના દ્વાર ખખડાવ્યા હતા. ટ્રિબ્યુનલે તેમની આ અરજીને પણ ફગાવી દીધી અને જણાવ્યું કે, એકવાર ફાળવણી રદ થઈ ગયા પછી તેમને તે જગ્યા પર રહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નહોતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, લાંબા સમય સુધી રોકાવા માટે સ્વાસ્થ્યની સમસ્યાઓ કે પુત્રનું શિક્ષણ કોઈ કાયદાકીય ઢાલ બની શકે નહીં.
જોકે, ટ્રિબ્યુનલે ભૂલ સુધારણા માટે એક નાનો વિકલ્પ ખુલ્લો રાખતા જણાવ્યું કે: "જો દંડાત્મક ભાડાની સમયગાળા વાઈઝ ગણતરીમાં કોઈ કારકુની (ક્લેરિકલ) ભૂલ થઈ હોય, તો અરજદારની રજૂઆત પર રેલવે સત્તાધિકારીઓએ તેની ચકાસણી કરવી પડશે અને લાગુ પડતા નિયમો અનુસાર જો જરૂરી જણાય તો યોગ્ય સુધારો કરવો પડશે."













