કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે સિદ્ધારમૈયા? હાઇકોર્ટના MUDA કેસમાં ઝટકા બાદ શું છે ઓપ્શન
કર્ણાટક હાઇકોર્ટની સિંગલ બેન્ચ તરફથી રાહત ના મળત

કર્ણાટક હાઇકોર્ટની સિંગલ બેન્ચ તરફથી રાહત ના મળતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બુધવારે ડબલ બેન્ચ સામે અપીલ કરી શકે છે. સિદ્ધારમૈયા સાથે જોડાયેલા સુત્રોની માનીએ તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેની તૈયારી કરી રહ્યાં છે.
મહત્ત્વપૂર્ણ કે કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે મંગળવારે તેમની અરજી ફગાવી દીધી હતી જેમાં તેમણે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાઇટ એલોટમેન્ટ કેસમાં તેમની સામે તપાસ માટે રાજ્યપાલની મંજૂરીની માન્યતાને પડકારી હતી. કોર્ટે કહ્યું કે રાજ્યપાલને વ્યક્તિગત ફરિયાદના આધારે કેસ નોંધવાની પરવાનગી આપવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવા સુધી નહીં આપે રાજીનામું
જો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ડબલ બેન્ચમાં અપીલ કરે છે તો આ અરજીની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નીચલી કોર્ટમાં સુનાવણી પર રોક લગાવવા માટે અપીલ કરી શકાય છે. જો ડબલ બેન્ચ સુનાવણી માટે અરજી સ્વીકારે છે તો સિદ્ધારમૈયાને રાહત મળશે. સીએમ કેમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ડબલ બેન્ચમાંથી પણ રાહત નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને ત્યાં સુધી સિદ્ધારમૈયા રાજીનામું આપવાના મૂડમાં નથી.
સિદ્ધારમૈયાએ પોતાની અરજીમાં શું કહ્યું?
સિદ્ધારમૈયાએ 17 ઓગસ્ટના રોજ રાજ્યપાલ દ્વારા જાહેર કરાયેલા આદેશને પડકાર્યો હતો જેમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમ 17A હેઠળ તપાસ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 218 હેઠળ કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી હતી. કલમ 17A જાહેર અધિકારીઓ દ્વારા તેમના સત્તાવાર કાર્યો અથવા ફરજોના નિકાલમાં લેવામાં આવેલી ભલામણો અથવા નિર્ણયોને લગતા ગુનાઓની તપાસ માટે જોગવાઈ કરે છે.
મુખ્યમંત્રીની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મંજૂરીનો આદેશ યોગ્ય વિચાર-વિમર્શ કર્યા વિના જારી કરવામાં આવ્યો હતો, જે કાયદાકીય જરૂરિયાતોનું ઉલ્લંઘન કરે છે અને બંધારણની કલમ 163 હેઠળ મંત્રી પરિષદની સલાહ સહિત બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંજૂરીનો અવ્યવસ્થિત આદેશ અપમાનજનક છે અને રાજકીય કારણોસર કર્ણાટકની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના સંયુક્ત પ્રયાસનો એક ભાગ છે.








