Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shocking revelations in Pune's Ketan Agarwal murder case, Sia met her lover before pushing her fiancé into the valley

પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા, મંગેતરને ખીણમાં ધક્કો મારતાં પહેલા પ્રેમીને મળી હતી સિયા

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા, મંગેતરને ખીણમાં ધક્કો મારતાં પહેલા પ્રેમીને મળી હતી સિયા
સોર્સ : gstv

પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. લોહગઢ કિલ્લા પરથી પોતાના મંગેતરને ખીણમાં ધક્કો મારતાં પહેલા સિયા ગોયલ તેના પ્રેમી ચેતન ચૌધરીને મળી હતી. સિયા અને ચેતને આ ઘટનાને અંજામ આપવાના થોડા કલાકો પહેલા જ એક કેફેમાં કેતનની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો. બંનેએ ખૂબ જ ચાલાકીથી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો અને શરૂઆતમાં તેને એક દુર્ઘટના તરીકે રજૂ કર્યો.

App Store

પ્રી-બર્થડે સરપ્રાઇઝના બહાને હત્યાનું ષડયંત્ર

પૂણે પોલીસના જણાવ્યા મુજબ, 18 જૂને 26 વર્ષનો કેતન અગ્રવાલ તેની 20 વર્ષની મંગેતર સિયા ગોયલ સાથે લોહગઢ કિલ્લા પર ગયો હતો. સિયાએ કેતનને પ્રી-બર્થડે સરપ્રાઇઝના બહાને ત્યાં બોલાવ્યો હતો. બીજા દિવસે એટલે કે 19 જૂને સિયાનો જન્મદિવસ હતો. સિયા અને કેતનની ફેબ્રુઆરીમાં સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં બંને લગ્ન કરવાના હતા. જ્યારે કેતન લોહગઢ કિલ્લા પર પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ હાજર સિયાના પ્રેમી ચેતન અને સિયાએ તેને ખીણમાં ધક્કો મારી દીધો.

કિલ્લા પર અગાઉ પણ કરાયો હતો પ્રયાસ

તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીના કહ્યા મુજબ સિયાએ વારંવાર કેતનને 3300 ફૂટની ઊંચાઈ પર આવેલા લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવ્યો હતો. 31 મેના રોજ બંને લોહગઢ કિલ્લા પર ગયા હતા. બાદમાં ફરી ત્યાં જવાનો આગ્રહ કર્યો કે તેઓ ચાર દિવસ પછી તે કિલ્લા પર જાય. પરંતુ કેતનની માતાએ તેને બીજી વખત ત્યાં જવાની પરવાનગી ન આપી.

સાપનું બહાનું કાઢી બચવાનો ખોટો નાટક

સિયાએ ફરી એકવાર 14 જૂને જવાનો પ્લાન બનાવ્યો અને તે માની ગયો. તે દિવસે, તેણીએ કથિત રીતે તેને ખડક પરથી નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે એક ઝાડની ડાળખી પકડવામાં સફળ રહ્યો. જ્યારે કેતને પૂછ્યું કે તેને કેમ ધક્કો મારવામાં આવ્યો, ત્યારે સિયાએ સાપ હોવાનો ખોટો દેકારો મચાવ્યો અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે તેને જ કેતનને બચાવ્યો છે.

કેફેમાં પ્લાનિંગ અને સીસીટીવીમાં ટ્રેકિંગ

આ પછી 18 જૂનની સવારે, સિયા અને ચેતન પૂણેના એક કેફેમાં મળ્યા અને કેતનની હત્યાની યોજના બનાવી. તેમણે કિલ્લા પર એવી જગ્યાઓ ઓળખી કાઢી જ્યાંથી તેઓ કેતનને ધક્કો મારી શકે. બપોરે, સિયા કેતનને ફરીથી કિલ્લા પર લઈ ગઈ અને ચેતન પણ તેમની પાછળ-પાછળ ટ્રેક પર ગયો, જેમાં સામાન્ય રીતે લગભગ ત્રણથી ચાર કલાક લાગે છે. ટ્રેક દરમિયાન તેણે ઇશારાઓથી સિયા સાથે વાત કરી. સીસીટીવી ફૂટેજમાં ચેતનને હૂડી પહેરેલો પણ જોવામાં આવ્યો હતો, જેથી તેની ઓળખ છુપાયેલી રહે અને તે સિયા અને કેતનનો પીછો કરી શકે. આ પછી સિયા અને ચેતને મળીને નક્કી કરેલી જગ્યાએથી કેતનને પાછળથી એક ખીણમાં ધક્કો મારી દીધો.

ઉનાળામાં હૂડી પહેરવાથી પોલીસને થયો શક

સીસીટીવી ફૂટેજમાં કેતન તેની મંગેતર સિયા ગોયલ સાથે ચાલતો દેખાઈ રહ્યો હતો, જ્યારે શોર્ટ્સ અને હૂડી પહેરેલો એક વ્યક્તિ તેમનાથી લગભગ 20થી 30 ફીટના અંતરે તેમની પાછળ ચાલી રહ્યો હતો. તે વ્યક્તિએ હૂડીથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો અને હેડસેટ પણ લગાવેલા હતા. અન્ય એક સીસીટીવી ફૂટેજે પોલીસની શંકા વધુ મજબૂત કરી દીધી. આ ફૂટેજમાં સિયા અચાનક પાછળ ફરીને હૂડી પહેરેલા વ્યક્તિ તરફ જોતી દેખાઈ. લગભગ તે જ ક્ષણે, તે વ્યક્તિ નીચે બેસી ગયો, જાણે તે પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હોય. ઉનાળાની ઋતુમાં હૂડી પહેરવી પોલીસને કેસની વધુ નજીક લઈ ગઈ. પોલીસે જોયું કે તે સમયે વિસ્તારમાં તાપમાન લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ હતું. આવી કાળઝાળ ગરમીમાં ટ્રેક દરમિયાન હૂડી પહેરવાનો નિર્ણય ખૂબ જ વિચિત્ર લાગ્યો અને અધિકારીઓએ તે વ્યક્તિની ઓળખની બારીકાઈથી તપાસ કરવાનો નિર્ણય કર્યો.

સિયાના પ્રેમી ચેતનની ચાલાકી કામ ન આવી!

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તકનીકી પુરાવા અને ડિજિટલ વિશ્લેષણથી ટૂંક સમયમાં જ સિયા અને હૂડી પહેરેલા વ્યક્તિ વચ્ચેના ઊંડા સંબંધોનો ખુલાસો થયો. તે વ્યક્તિની ઓળખ 22 વર્ષીય ચેતન બાબુલાલ ચૌધરી તરીકે થઈ હતી. તપાસ ટીમે ચેતનના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તસવીરોની સરખામણી સીસીટીવી ફૂટેજની તસવીરો સાથે કરી અને તેમાં ઘણી સમાનતાઓ જોવા મળી.

સાત મહિનામાં 2004 ફોન કોલ્સનો ખુલાસો

કેતનના મોત બાદ સિયાના વર્તન પર પણ પોલીસને શંકા ગઈ હતી. રિપોર્ટ મુજબ, તપાસ ટીમે જોયું કે ઘટના પછી સિયાને કેતનના મોત પર બહુ દુઃખ ન હતું હાવભાવમાં ફક્ત દેખાવ હતો, જેનાથી દુર્ઘટનાવાળી થિયરી પર શંકા વધુ વધી ગઈ. જેમ જેમ તપાસ આગળ વધી તેમ કેતનના કાકાએ પોલીસને જણાવ્યું કે સિયાએ પહેલા લગ્નને લઈને ખચકાટ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે સિયાએ એકવાર પૂછ્યું હતું કે શું લગ્નને એક વર્ષ માટે ટાળી શકાય છે. આ પછી, પોલીસે કોલ રૅકોર્ડ્સની તપાસ કરી તો સિયા અને ચેતન વચ્ચે ઘણી વાતચીત થઈ હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંનેએ છેલ્લા સાત મહિનામાં 2004 ફોન કોલ્સ કર્યા હતા અને લગભગ 238 કલાક એકબીજા સાથે વાત કરી હતી. હાલમાં, સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર હત્યા અને ગુનાહિત કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને ટીમ કેસની તપાસ ચાલુ રાખી રહી છે.