Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India's befitting reply to Pakistan at UNSC meeting: 'Kashmir was, is and will always be ours'

UNSCની બેઠકમાં પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ: ‘કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશે’

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
UNSCની બેઠકમાં પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ: ‘કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશે’
સોર્સ : gstv

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનની ટિપ્પણીઓનો સખત વિરોધ કરીને વૈશ્વિક મંચ પર તેને ફરી એકવાર જોરદાર ફટકાર લગાવી છે. પાકિસ્તાનની બોલતી બંધ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે UNSCના દાયકાઓ જૂના આદેશો અને મધ્યસ્થતાની પદ્ધતિઓની સમીક્ષા કરવાની સ્પષ્ટ માંગ કરી છે, કારણ કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓ અનુસાર તે હવે પ્રાસંગિક રહ્યા નથી.

App Store

UNSCની ખાસ બેઠક અને ભારતનું વલણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે ચીન અને પાકિસ્તાનની સહ-અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ચેપ્ટર VI અને VII હેઠળ પસાર કરાયેલા પ્રસ્તાવો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષા પરિષદના તમામ જૂના આદેશોને હંમેશા માટે લાગુ ગણી શકાય નહીં.

ચેપ્ટર VI અને VII વચ્ચેનો તફાવત

ભારતીય રાજદૂતે જણાવ્યું કે, ચેપ્ટર VIIના પ્રસ્તાવો આંતરરાષ્ટ્રીય શાંતિ ભંગ થવાની અને આક્રમણની ઘટનાઓ સાથે સંબંધિત છે, જેમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પગલાં લેવાનો અધિકાર હોય છે. આનાથી વિપરીત, ચેપ્ટર VIના પ્રસ્તાવો માત્ર વાતચીત, મધ્યસ્થતા અને પરસ્પર સુલેહ જેવા શાંતિપૂર્ણ ઉકેલોની સુવિધા માટે હોય છે. આ ઉપાયો ચોક્કસ રાજકીય પરિસ્થિતિઓ આધારિત હોવાથી તે હંમેશા માટે પ્રાસંગિક રહી શકતા નથી.

જૂની મધ્યસ્થતા પદ્ધતિઓની સમીક્ષાની જરૂરિયાત

ભારતે પેલેસ્ટાઇનના મુદ્દાનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે, બદલાતી વાસ્તવિકતા સાથે મધ્યસ્થતાની પદ્ધતિઓમાં પણ સતત ફેરફાર થાય છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર દાયકાઓ જૂના પ્રસ્તાવોનો જે વારંવાર ઉલ્લેખ કરે છે, તેના સંદર્ભમાં ભારતનો આ પ્રહાર અત્યંત મહત્વનો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, આવા જૂના પ્રસ્તાવોનો હવાલો આપવો એ બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારો અને ત્યારબાદના રાજકીય ઘટનાક્રમોને નજરઅંદાજ કરવા સમાન છે. UN80 પહેલ હેઠળ સુરક્ષા પરિષદના આદેશોની પણ સમયસર સમીક્ષા થવી જોઈએ જેથી તે આજના ભૂ-રાજકીય પ્રવાહોને અનુરૂપ બને.

‘કાશ્મીર અમારું હતું અને હંમેશા અમારું જ રહેશે’

બેઠકના અંતમાં ભારતે પાકિસ્તાનને સૌથી આકરો જવાબ આપ્યો હતો. સહ-અધ્યક્ષ તરીકે પાકિસ્તાનના પ્રતિનિધિ પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા હતી, પરંતુ તેમણે આ વૈશ્વિક મંચનો દુરુપયોગ કરીને અપ્રસ્તુત મુદ્દા ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય રાજદૂતે નવી દિલ્હીના સનાતન વલણને દોહરાવતા સ્પષ્ટ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતું, છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે.