PM મોદીનું જૂનું ટ્વીટ શેર કરી શશિ થરૂરનો કટાક્ષ: 'GenZને એ જ બધી વાતો શીખવવા બદલ આભાર...'

કોંગ્રેસ નેતા શશિ થરૂરે શનિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2015ની એક પોસ્ટ શેર કરી હતી. થરૂરે તેની સરખામણી દિલ્હીની વર્તમાન પરિસ્થિતિ સાથે કરી, જ્યાં પોલીસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું.
થરૂરે 'X' પર પીએમ મોદીની 25 જૂન, 2015ની પોસ્ટ શેર કરતાં લખ્યું, "આજના યુવાનોને એ જ બધી બાબતો શીખવવા બદલ આભાર, મોદીજી." એ જૂની ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું હતું, "વ્યક્તિગત રીતે કટોકટી (ઇમરજન્સી)ની યાદો તાજી થઈ જાય છે. એક યુવાન તરીકે અમે કટોકટી-વિરોધી આંદોલન દરમિયાન ઘણું બધું શીખ્યા હતા."
થરૂરે ગણાવી 'અઘોષિત કટોકટી'
આ પહેલાં દિવસ દરમિયાન શશિ થરૂરે દિલ્હીમાં લાદવામાં આવેલા તમામ પ્રતિબંધોને લઈને સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિને યુદ્ધ જેવી તૈનાતી ગણાવી અને કહ્યું કે GenZ (નવી પેઢી) આ 'અઘોષિત કટોકટી' કરતાં બહેતર સ્થિતિની હકદાર છે. તિરુવનંતપુરમના સાંસદે જણાવ્યું કે તેઓ રાત્રે 2 વાગ્યા પછી દિલ્હી પાછા ફર્યા હતા અને તેમણે રાજધાનીમાં સુરક્ષાની આવી વ્યવસ્થા પહેલાં ક્યારેય જોઈ નહોતી.
આ દરમિયાન થરૂરે ચેકપોઇન્ટ, કોંક્રિટના બેરિકેડ, સ્પાઇક સ્ટ્રિપ (કાંટાળી પટ્ટીઓ), 22,000 પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોની તૈનાતી, ટ્રેન સેવાઓ રદ થવા અને યુવાનોને કસ્ટડીમાં લેવાના સમાચારોનો ઉલ્લેખ કર્યો હતો. રાજધાનીની મધ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા અને જંતર-મંતર જવા પર પ્રતિબંધ મુકવા સામે સવાલ ઉઠાવતાં થરૂરે કહ્યું કે, સરકારે નાગરિકોને સવાલ પૂછતાં રોકવાને બદલે ચૂંટણીની નિષ્પક્ષતા સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો આપવા જોઈએ.
વાત રજૂ કરવાની આઝાદી આપવી જોઈએ:
થરૂરે ઉમેર્યું, "સરકારે લાઠીઓ નહીં પણ જવાબો આપવા જોઈએ અને પોતાની વાત રજૂ કરવાની આઝાદી આપવી જોઈએ, તેને દબાવવી ન જોઈએ." તેમણે એમ પણ કહ્યું કે બેરિકેડ લગાવવાથી ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ પાછો નહીં આવે. વિપક્ષી નેતાઓએ સરકાર પર લોકતાંત્રિક અસંમતિને દબાવવાનો આરોપ લગાવ્યો, જ્યારે ભાજપે પ્રદર્શનના આયોજકો પર દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે.

