'આ એક દુર્ઘટના... કોઈ રાજનીતિ ના કરો', અજિત પવારના મોત અંગે શરદ પવારનું પહેલું નિવેદન
શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના મૃત્યુ પર ઊંડી શોક વ્યક્ત કરતાં કહ્યું કે, વિમાન દુર્ઘટના સંપૂર્ણપણ

શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના મૃત્યુ પર ઊંડી શોક વ્યક્ત કરતાં કહ્યું કે, વિમાન દુર્ઘટના સંપૂર્ણપણે એક અકસ્માત હતો અને તેમાં કોઈ રાજકારણ ના કરો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. શરદ પવારે કહ્યું કે આ ફક્ત પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક અપૂરણીય ક્ષતિ છે.
આ ઘટનાની તપાસ થવી જોઈએઃ મમતા બેનરજી
અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.
ઓમર અબ્દુલ્લાહ પણ મમતા બેનરજી જેવા સૂર
મમતા બેનરજીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઈનકાર કરતાં મામલાની હાઈ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ન્યાયિક તપાસની માંગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં ગમગીની છવાઈ ગઈ છે. મોટાભાઈના મોતના સમાચાર સાંભળતા જ બહેન સુપ્રિયા સુલે સંપૂર્ણપણે ભાંગી પડી છે. બારામતી પહોંચેલા સુપ્રિયા સુલે પોતાના ભાઈના પાર્થિવ દેહને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. સુપ્રિયા હંમેશા તેમને દાદા કહીને બોલાવતા હતા. કરુણ રુદન કરતા સુપ્રિયા સુલેના દ્રશ્યોએ ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.
પરિવાર અને પક્ષમાં શોકની લહેર
સુપ્રિયા સુલે તેમના ભાભી સુનેત્રા પવાર સાથે તાત્કાલિક બારામતી પહોંચ્યા હતા. અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ હતો. રાજકીય મતભેદો હોવા છતાં સુપ્રિયા સુલેએ ક્યારેય તેમના પ્રત્યે કડવાશ દાખવી નહોતી અને તેમને હંમેશા દાદા કહીને માન આપતા હતા. તાજેતરમાં જ બંને પરિવારો વચ્ચે નિકટતા વધી રહી હતી અને બંને પક્ષો એક થાય તેવી શક્યતાઓ વચ્ચે આ આઘાતજનક ઘટના બની છે.
બારામતીમાં સજ્જડ બંધ, રાષ્ટ્રીય શોક જાહેર
અજિત પવારના સન્માનમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને સરકારી કચેરીઓ પર તિરંગો અડધી કાઠીએ ઝુકાવી દેવામાં આવ્યો છે. આજે આખા બારામતીના બજારો સ્વયંભૂ બંધ રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોતથી માત્ર પવાર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશ સ્તબ્ધ છે.








