Video: ઇ-20 નામે દેશવાસીઓને વેચાઈ રહ્યો છે ઈ-30?

ઇ-ટ્વેન્ટીના નામે દેશવાસીઓને વેચાઈ રહ્યો છે ઈ-થર્ટી?
પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણના વિવાદે દેશના રાજકારણમાં મચાવ્યો મોટો ભુકંપ!
સાત જિલ્લાના સેમ્પલમાં ૩૧ ટકા સુધી ઈથેનોલ મળ્યાનો દાવો કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો!
દેશમાં ઈ-ટ્વેન્ટી પેટ્રોલના નામે વેચાતા ઈંધણમાં ઈથેનોલના મિશ્રણને લઈને રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્રની મોદી સરકાર અને વિપક્ષી કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સામસામે આવી ગયા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કર્ણાટક સરકારના પ્રધાન રિઝવાન અર્શદે દાવો કર્યો કે રાજ્યના સાત જિલ્લામાંથી લેવાયેલા પેટ્રોલના સેમ્પલના માન્ય લેબ ટેસ્ટમાં ૩૦.૫ ટકાથી લઈને ૩૧.૨ ટકા સુધીનું ઈથેનોલ મિશ્રણ સામે આવ્યું છે, જે કેન્દ્ર સરકારના નિર્ધારિત ટ્વેન્ટી ટકાના લક્ષ્યાંક કરતા ઘણું વધારે છે. આ સનસનાટીપૂર્ણ અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટ્વિટરના માધ્યમથી કેન્દ્ર સરકાર પર સખત પ્રહારો કરતા તેને ઈ-ટ્વેન્ટી ના નામે ૪ટ્વેન્ટી અને સામાન્ય જનતાના ખિસ્સા પર સીધી લૂંટ ગણાવી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આટલા મોટા પાયે મિશ્રણ કરવાથી વાહનોની માઇલેજ ઘટે છે અને મેઇન્ટેનન્સનો ખર્ચ વધે છે, જેનાથી ગ્રાહકોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વિવાદને પગલે સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધી અને પીએમ મોદીના નિવેદનો અને રમુજી મીમ્સ ભારે વાયરલ થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીના આક્રમક ટ્વીટથી લઈને પીએમ મોદીના મીમ્સ સુધી વાયરલ થતો નવો રાજકીય કટાક્ષ!
બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલયે આ તમામ આરોપોને આકરા શબ્દોમાં ફગાવી દીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશના ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેપો અને રિટેલ આઉટલેટ્સ પરથી લેવાયેલા કુલ ૮૯૩ સેમ્પલઓની બીઆઈએસ માપદંડો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. આ તમામ સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ ૧૯ થી ૨૧ ટકાની નિર્ધારિત મર્યાદાની અંદર જ મળી આવ્યું છે, જેમાં કર્ણાટકના ૫૬ સેમ્પલનો પણ સમાવેશ થાય છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ કર્ણાટક સરકારની ટેસ્ટિંગ પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેલ કંપનીઓનું કહેવું છે કે સેમ્પલ લેતી વખતે તેમના પ્રતિનિધિઓ હાજર નહોતા અને ટેસ્ટિંગ રિપોર્ટમાં પણ જરૂરી ટેકનિકલ માહિતીનો અભાવ છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈ-ટ્વેન્ટી થી માઇલેજમાં માત્ર ૧ થી ૨ ટકાનો તફાવત આવે છે, તેથી ગ્રાહકોને મોટા નુકસાનના દાવા ખોટા છે.
હાલમાં કેન્દ્રીય તેલ કંપનીઓએ વિવાદ ઉકેલવા માટે માન્ય લેબોરેટરીઓમાં સંયુક્ત સેમ્પલિંગ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. એક તરફ વિપક્ષ આ મુદ્દાને જનતાના ખિસ્સા પરનો ડાકો પૂરવાર કરવા મથામણ કરી રહ્યો છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પોતાના ટેકનિકલ આંકડાઓ રજૂ કરીને પોતાની છબી સાફ રાખવાનો પ્રયાસ કરી રહી છે. ઈ-ટ્વેન્ટી પેટ્રોલનો આ વિવાદ હવે માત્ર ટેકનિકલ ચકાસણી પૂરતો સીમિત ન રહેતા દેશનો સૌથી ગરમ રાજકીય મુદ્દો બની ચૂક્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી















