Video: દિવાળી પૂર્વે કાશ્મીરી શ્રમિકોએ ૪૦ હજારથી વધુ ઇકો-ફ્રેન્ડલી દીવાઓ કર્યા તૈયાર!

સોર્સ: gstv

દિવાળી પૂર્વે કાશ્મીરી શ્રમિકોએ ૪૦ હજારથી વધુ ઇકો-ફ્રેન્ડલી દીવાઓ કર્યા તૈયાર!

ઘાટીથી લઈને ઓનલાઇન બજારો સુધી કાશ્મીરી માટીના દીવાઓની વધી વ્યાપક માંગ!

જાહેરાત

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર વિસ્તારમાંથી દિવાળીના પર્વને અનુલક્ષીને એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયી અહેવાલ સામે આવ્યો છે. શ્રીનગરના સ્થાનિક કુંભારો દ્વારા દિવાળીના પાવન અવસર પર ૪૦ હજારથી વધુ માટીના દીવાઓ બનાવવામાં આવ્યા છે. એ.એસ. પોટર વર્કશોપના પ્રોપ્રાઈટર મોહમ્મદ ઉમરના નેતૃત્વમાં આ કલાને માત્ર જીવંત રાખવામાં આવી રહી નથી, પરંતુ તેના માધ્યમથી સ્થાનિક રોજગારીને પણ મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પહેલ વિશે વાત કરતા મોહમ્મદ ઉમરે જણાવ્યું કે તેમણે વર્ષ ૨૦૨૦થી આ દિશામાં કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઓર્ડર ઓછા મળતા હતા, પરંતુ સમયની સાથે લોકોમાં સ્થાનિક અને ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ પ્રત્યેનો રસ વધતા ઓર્ડરમાં સતત વધારો થવા લાગ્યો છે. આજે કાશ્મીર ઘાટીની સાથે-સાથે જમ્મુ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ દેશના વિવિધ ખૂણેથી માટીના દીવાઓની ભારે માંગ આવી રહી છે, જેને કારણે કુંભારોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

આ સુંદર દીવાઓમાં વિવિધ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, જેમાં સિંગલ દીવાઓથી લઈને સ્ટેન્ડવાળા અને એકસાથે અનેક દીવાઓ જોડાયેલા હોય તેવી આકર્ષક વેરાયટીઓ સામેલ છે. કુંભારોનું માનવું છે કે તહેવારોના આ સમયમાં આ પ્રકારના સર્જનાત્મક કાર્યોથી માત્ર ગ્રાહકોની જરૂરિયાતો જ પૂરી નથી થતી, પરંતુ પરંપરાગત હસ્તકલાને પણ નવું જીવન મળે છે.જોકે, આ સકારાત્મક પાસાઓ વચ્ચે કુંભારોને કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરમાં માટી મેળવવાની પ્રક્રિયામાં આવતી અડચણો અંગે વાત કરતા કારીગરોએ જણાવ્યું કે જો પ્રશાસન અને સરકાર દ્વારા માટીની પૂરતી અને સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, તો આ વ્યવસાય સાથે જોડાયેલા વધુ યુવાનો અને પરિવારોને રોજગારી મળી શકશે અને આ પેઢીગત કલા વધુ મજબૂત બનશે.આગામી દિવાળીના પર્વ પર શ્રીનગરના કુંભારો દ્વારા તૈયાર કરાયેલા આ દીવાઓ ઘરોને પ્રકાશિત કરવાની સાથે-સાથે કાશ્મીરની કલા અને સંસ્કૃતિનો અદ્ભુત સંદેશ પણ આપી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત