પ્રશાંત ભૂષણના 'X' એકાઉન્ટ પરથી ફેક વીડિયો પ્રસારિત થયાનો દાવો; દિલ્હી પોલીસે નોંધી FIR

પ્રશાંત ભૂષણના 'X' એકાઉન્ટ પરથી ફેક વીડિયો પ્રસારિત થયાનો દાવો; દિલ્હી પોલીસે નોંધી FIR
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનો ભારત વિરોધી ટિપ્પણીઓ દર્શાવતો કથિત મોર્ફ્ડ (છેડછાડ કરેલો) વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભ્રામક અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવાના આરોપસર તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ૩ નવેમ્બરે નિયમિત સાયબર પેટ્રોલિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર '@thequotesnews' હેન્ડલની એક પોસ્ટ સામે આવી હતી. આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે કથિત બનાવટી વીડિયો પ્રશાંત ભૂષણના સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં તુરંત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જાહેરાત

પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયોમાં ભ્રામક અને ઉશ્કેરણીજનક સામગ્રી હતી, જે અફવાઓ ફેલાવી શકે છે, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અને જાહેર શાંતિ તથા વ્યવસ્થાને જોખમમાં મૂકી શકે છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આ વીડિયોનું ફેક્ટ-ચેક કરવામાં આવ્યું હતું અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો ડિજિટલી છેડછાડ કરીને બનાવવામાં આવ્યો છે અને લાવરોવના નામે ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

આ બનાવટી ક્લિપમાં રશિયન વિદેશ મંત્રી ભારતના આંતરિક મામલાઓ અને તેની ક્રૂડ ઓઇલની ખરીદી અંગે કથિત રીતે ટીકાત્મક નિવેદનો આપતા દર્શાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વીડિયોની સામગ્રી તેમજ સોશિયલ મીડિયા પર તેના પ્રસારની ચકાસણી કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત