Video: ‘કોંગ્રેસના રોકેટનો દારૂગોળો ખતમ થઈ ગયો!’ ‘બબુઆને કોઈ સમજાવો, લોકશાહીમાં બદલો નહીં બદલાવ થાય’: યોગી આદિત્યનાથે રાહુલ-અખિલેશની ઉડાવી મજાક

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં આયોજિત ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રાને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પર તીખા પ્રહારો કર્યા છે. મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં યોગીએ રાહુલ ગાંધીની સરખામણી દિવાળીના ફૂસ્સ રોકેટ સાથે કરી હતી અને અખિલેશ યાદવને બહાનાબાજ ગણાવ્યા હતા.

‘રાહુલ ગાંધીનું રોકેટ ઉડ્યા વગર જ ધુમાડો છોડી દે છે’

જાહેરાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, જેમ દિવાળીમાં અમુક રોકેટ એવા હોય છે કે જે સળગાવ્યા પછી આકાશમાં જવાને બદલે ત્યાં જ ધુમાડો છોડીને ઓલવાઈ જાય છે, તેમ રાહુલ ગાંધી પણ એક એવા ફૂસ્સ રોકેટ છે જેનો દારૂગોળો ખતમ થઈ ગયો છે. કોંગ્રેસે તેમને સાંસદ, મહાસચિવ, ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને ઘણી વાર લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ક્યારેય ઉડી શક્યા નહીં. યોગીએ ટોણો મારતાં કહ્યું કે 56 વર્ષના થઈ ગયા છતાં કોંગ્રેસ માટે રાહુલ હજુ પણ યુવાન છે, પણ હવે આ ‘યુવા’ ક્યારેય લોન્ચ થઈ શકશે નહીં.

અખિલેશને સલાહ: લોકશાહીમાં બદલો નહીં, જનતા બદલાવ કરે છે

સપા સુપ્રીમો અખિલેશ યાદવના ‘બદલો લેવા’ અંગેના નિવેદન પર પલટવાર કરતા સીએમ યોગીએ કહ્યું કે, "સપાના બબુઆને કોઈ સમજાવો કે લોકશાહીમાં બદલો લેવાતો નથી, જનતા બદલાવ કરે છે." જનતાએ ૨૦૧૪ અને ૨૦૧૭માં બદલાવ કરીને બતાવી દીધું છે. યોગીએ ઉમેર્યું કે 2017 પહેલાં સપાના શાસનમાં 1500થી વધુ રમખાણો થતા હતા અને તહેવારો પહેલાં કર્ફ્યુ લાદવો સામાન્ય બની ગયો હતો, જ્યારે વર્તમાન ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે.

મતદાર યાદી અને હારના બહાના પર ઘેર્યા

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધતા યોગીએ પૂછ્યું કે, "મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો, પાકિસ્તાનીઓ અને મૃતકોના નામ હટાવવા સામે કોંગ્રેસને શું વાંધો છે?" વધુમાં તેમણે બંને નેતાઓની સરખામણી એવા નબળા વિદ્યાર્થીઓ સાથે કરી કે જે પરીક્ષામાં નાપાસ થાય ત્યારે ક્યારેક પ્રશ્નપત્ર સિલેબસ બહાર હોવાનું તો ક્યારેક પેનની શાહી પતી ગયાનું બહાનું કાઢે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત