Video: ‘મોદીજી સંસદમાં માત્ર પ્રવચન આપવા આવે છે!’: કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદનો પીએમ પર સણસણતો પ્રહાર

રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિબેટ માટે આપવામાં આવેલા પડકાર પર રાજકીય નિવેદનબાજી વધુ તેજ બની છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે વડાપ્રધાન મોદી અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની સંસદીય કાર્યશૈલીની સરખામણી કરતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
શમા મોહમ્મદે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી સંસદમાં નિયમિત હાજરી આપે છે, સંસદમાં લોકોના મુદ્દે બોલે છે અને જનતાનો અવાજ સાંભળે છે. યુપીએ (UPA) શાસન દરમિયાન ડૉ. મનમોહન સિંહ પણ હંમેશા બીજાની વાત સાંભળતા હતા અને સંસદમાં નિયમિત દિવસો સુધી બેસતા હતા. પરંતુ મોદીજી શું કરે છે? તેઓ સંસદમાં માત્ર ઉપદેશ અને પ્રવચન આપવા માટે જ આવે છે. જ્યારે પણ અમે નીટ (NEET) સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની માગણી કરી, ત્યારે સરકારે ચર્ચા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો."
‘રાહુલ ગાંધી ડરતા નથી, તેઓ લોકશાહી અને સત્યમાં માને છે’
તેમણે ઉમેર્યું કે, "રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ચર્ચા માટે એટલા માટે પડકારી રહ્યા છે કારણ કે તેઓ કોઈનાથી ડરતા નથી. તેઓ લોકશાહી અને સત્યમાં વિશ્વાસ રાખે છે અને દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવા માગે છે. તેમનું દ્રઢપણે માનવું છે કે ચૂંટણીમાં મતદાન અને મતગણતરી સંપૂર્ણપણે નિષ્પક્ષ હોવી જોઈએ અને દેશમાં ક્યાંય વોટની ચોરી ન થવી જોઈએ. તેઓ હંમેશાં સત્યની પડખે ઊભા છે."






