સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી, જણાવ્યું કે મને સાચા અર્થમાં પસ્તાવો છે તથા તેઓ ભવિષ્યમાં પણ સંયમ જાળવી રાખશે

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અંગેની ટિપ્પણી સાથે જોડાયેલા મામલે બિનશરતી માફી માગી છે. રાઉતે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે પોતાની ઇચ્છાથી માફી માગે છે. જોકે, માફીનામું દાખલ થયા છતાં સુપ્રીમ કોર્ટે તેમને 17 નવેમ્બરે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 28 ઑક્ટોબરે આ મામલે સુનાવણી દરમિયાન સંજય રાઉત તરફથી કોઈ વકીલ હાજર રહ્યો નહોતો. આ ઉપરાંત, કોર્ટના રેકોર્ડમાં તેમનું માફીનામું નોંધાયેલું ન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રાઉતને રૂબરૂ હાજર થવા માટે ફરમાન કર્યું હતું. 17 નવેમ્બરની સુનાવણી દરમિયાન કોર્ટ તેમના માફીનામા પર વિચાર કરશે અને આ મામલે આગળનો નિર્ણય લઈ શકે છે.
સોગંદનામામાં શું કહ્યું?
સંજય રાઉતે પોતાના માફીનામામાં કોર્ટની ગરિમા અને સત્તાનું સન્માન કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. ન્યાયતંત્રનું અપમાન કરવાનો અથવા તેની ગરિમા, સ્વતંત્રતા અને સત્તાને ઓછી કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. સુપ્રીમ કોર્ટે આ પહેલાં રાઉતને કોર્ટની અવમાનના અંગે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ તેમણે સોગંદનામું દાખલ કરીને માફી માગી હતી. હવે કોર્ટ તેમના સોગંદનામા અને કેસ સાથે જોડાયેલા તથ્યોને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી નક્કી કરશે.
અલ્બાનિયાના હિંસક પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો
આ સમગ્ર વિવાદ સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે શરૂ થયો હતો. તેમણે અલ્બાનિયામાં થયેલા હિંસક પ્રદર્શનોનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું હતું કે ભ્રષ્ટ વડાપ્રધાનોને મદદ કરવાના આરોપમાં ત્યાંની જનતાએ સુપ્રીમ કોર્ટને આગને હવાલે કરી દીધી હતી અને સરકારી ઇમારતો પર હુમલા કર્યા હતા. તેમણે ભારત સહિત વિશ્વના અન્ય દેશોએ પણ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ તેવી ટિપ્પણી કરી હતી.
ભાજપે અરાજકતાનો આક્ષેપ કર્યો હતો
આ પોસ્ટ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાઉત પર દેશમાં અરાજકતા ફેલાવવાનો, હિંસાને પ્રોત્સાહન આપવાનો અને કોર્ટને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે સંજય રાઉતની રૂબરૂ હાજરી દરમિયાન તેમના માફીનામા પર વિચાર કરશે. આ સુનાવણીમાં કોર્ટ આ મામલે આગળ શું કાર્યવાહી કરશે તે સ્પષ્ટ થઈ શકે છે.












