સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં સંજય રાઉતની મુશ્કેલીઓ વધી: CJI પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ 17 નવેમ્બરે ફિઝિકલ હાજરીનું ફરમાન!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને ન્યાયતંત્ર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ દાખલ થયેલા અદાલતની અવમાનના (Contempt of Court)ના કેસમાં શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે સંજય રાઉતને આ કેસમાં આગામી 17 નવેમ્બરના રોજ વ્યક્તિગત રીતે (સશરીર) અદાલત સમક્ષ હાજર થવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેને તે જ દિવસે વર્ચ્યુઅલ રીતે કોર્ટ સમક્ષ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે સંજય રાઉતને ફિઝિકલ રીતે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન SCBA ના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ પ્રદીપ રાયે કોર્ટમાં સંજય રાઉતના વિવાદાસ્પદ ટ્વીટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સંજય રાઉતે અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દેવાની ઘટનાનો હવાલો આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારતની ન્યાયતંત્રની સ્થિતિ જોતાં અહીં પણ આવા સંજોગો સર્જાઈ શકે છે.
નિખિલ વાગલે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે કોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલે બિનશરતી માફી માંગી લીધી છે અને વિવાદાસ્પદ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. જોકે, સંજય રાઉત તરફથી કોઈ વકીલ હાજર ન રહેતાં તેમજ તેમણે ફરીથી ટ્વીટ કર્યા હોવાની બાબત સામે આવતાં, સર્વોચ્ચ અદાલતે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંજય રાઉતને કોઈપણ રાહત આપ્યા વિના 17 નવેમ્બરે અદાલત સમક્ષ રૂબરૂ પેશ થવા ફરમાન કર્યું છે.








