સૈફ અલી ખાન પર હુમલો કરનારની થઇ ઓળખ, ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મામલે મુંબઈ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસે જણાવ્યું કે અત્યાર

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મામલે મુંબઈ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસ બાદ એક આરોપીની ઓળખ થઇ શકી છે. જોકે હજુ સુધી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા છે.
સ્ટાફ મેમ્બરનો ઓળખીતો હોવાનો દાવો
સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર સૈફ પર હુમલો કરનાર શખ્સ કોઈ સ્ટાફ મેમ્બરનો ઓળખીતો જ હતો અને એની મદદથી જ તે ઘરમાં પ્રવેશ્યો હતો. પોલીસે ઘરના સીસીટીવી ચકાસ્યા પણ તે અંદર આવતો દેખાયો નથી. હાલમાં સૈફના ઘરમાં ફ્લોરિંગના પોલિશિંગની કામગીરી ચાલી રહી હતી. એના માટે આવેલા મજૂરોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મુંબઈ પોલીસે સૈફનું નિવેદન પણ નોંધ્યું છે.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિતે આપી માહિતી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે કહ્યું કે સૈફ અલી ખાન પર રાતના 2 વાગ્યાની આજુબાજુ ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાળકોના રૂમમાં બની હતી. સૈફ અલી બાંદ્રામાં પરિવાર સાથે રહે છે અને તેમનું એપાર્ટમેન્ટ સાતમા માળે છે. અમે આ મામલે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા કર્મીને પણ હુમલા વખતે ઈજા થઇ હતી.
શું છે ઘટના?
સૈફ અલી ખાન પર તેના ઘરમાં મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હતો.સૂત્રો અનુસાર સૌથી પહેલા બાળકોની નૈનીએ અવાજ સાંભળ્યો અને તે જાગી ગઇ હતી. આ દરમિયાન તમામને બચાવવા માટે સૈફ અલી ખાને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. હુમલા બાદ સૈફને લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર ઘરમાં કેવી રીતે થયો હુમલો? નોકરાણી-સિક્યુરિટી પર શક, પોલીસે 3 શખ્સને ઉઠાવ્યા
સૈફ અલી ખાનની સફળ સર્જરી
લીલાવતી હોસ્પિટલે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. હોસ્પિટલે કહ્યું છે કે સૈફને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં ખસેડવામાં આવ્યો છે. તેને બે ગંભીર ઈજાઓ થઈ હતી. ન્યુરો સર્જરી થઈ ગઈ છે. સૈફની હાલત સારી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. સૈફના શરીરની અંદર છરીનો ટુકડો હતો, જેને કાઢી નાખવામાં આવ્યો છે. છરીનો અઢી ઇંચનો ટુકડો કરોડરજ્જુમાં હતો.
કાંડા અને ગરદનમાં ઊંડી ઈજા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં સૈફને કમરના ભાગે છરીથી ઘા મારવામાં આવ્યા હતા અને આ ઘા તેની કરોડરજ્જુની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે ડોક્ટરો આ સર્જરીને લઈને થોડા સાવધ હતા. લીલાવતી હોસ્પિટલમાં, ડૉ. નિરજ ઉત્તમાણી, ડૉ. નીતિન ડાંગે અને ડૉ. લીલા જૈનની ટીમે મળીને સૈફની સર્જરી કરી હતી.







