મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બૂથ વાઇઝ લિસ્ટ જાહેર કરો અને કારણ જણાવો: રાહુલ-ખડગેની પિટિશનથી ચૂંટણી કમિશનરો સામે કાનૂની સંકટ!

બૂથ વાઇઝ લિસ્ટ જાહેર કરો અને કારણ જણાવો: રાહુલ-ખડગેની પિટિશનથી ચૂંટણી કમિશનરો સામે કાનૂની સંકટ!

મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ૧૧ વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી સંયુક્ત અરજીમાં ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ અરજીમાં ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા નિર્ણયોની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતા સમગ્ર પ્રક્રિયાને કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ચૂંટણી પંચ વિવાદિત નિર્ણયો સાથે સંકળાયેલી તમામ મૂળ ફાઇલો, એજન્ડા, મિનિટ્સ, નોટિંગ્સ અને અસંમતિ/વાંધાઓ અદાલત સમક્ષ રજૂ કરે. ખાસ કરીને ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ SIR શરૂ કરવાના નિર્ણય તેમજ ECINET અને ERONET સિસ્ટમના એક્સેસ લૉગ્સ સાર્વજનિક કરવાની માંગ કરાઈ છે. આ સાથે જ, આ નિર્ણયો બંધારણની કલમ ૩૨૪, ચૂંટણી પંચ સંબંધિત ૨૦૨૩ના કાયદા તેમજ ઐતિહાસિક 'ટી.એન. શેષન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા' કેસના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ લેવાયા છે કે નહીં તેની ન્યાયિક તપાસની અપીલ કરવામાં આવી છે.

મુખ્ય માંગણીઓ અને રાહતો:

  • નોટિસ વિના નામ કમી કરવા પર રોક: કાયદાકીય પ્રક્રિયા અને યોગ્ય સુનાવણીની તક આપ્યા વિના કોઈપણ મતદારનું નામ યાદીમાંથી રદ કરવામાં ન આવે.

  • બૂથ-વાઇઝ વિગતો જાહેર કરવી: જે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે તેમની બૂથ-વાઇઝ યાદી, નામ કાપવા પાછળનું ચોક્કસ કારણ અને વસ્તીવિષયક (ડેમોગ્રાફિક) વિગતો સાર્વજનિક કરવામાં આવે.

  • નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિ: ECINET અને ERONET ડેટાબેઝમાં થયેલા તમામ ફેરફારો અને નામ કમી કરવાની પ્રક્રિયાનું ઓડિટ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક સ્વતંત્ર કમિટીની રચના કરવામાં આવે.

  • ચાલુ SIR પ્રક્રિયા પર વચગાળાનો સ્ટે: આ અરજી પર આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી હાલ ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા પર તાત્કાલિક વચગાળાનો સ્ટે મૂકવામાં આવે.

અરજીમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૩ના અધિનિયમ મુજબ ચૂંટણી પંચના SIR સંબંધિત દરેક નિર્ણયનું યોગ્ય દસ્તાવેજીકરણ અને મિનિટ્સ તૈયાર કરવામાં આવે જેથી બંધારણીય પારદર્શિતા જળવાઈ રહે. વિપક્ષી નેતાઓની આ પહેલથી હવે દિલ્હીમાં ચૂંટણી પંચ અને અદાલતી મોરચે રાજકીય લડાઈ ચરમસીમાએ પહોંચી છે.

આ સમાચાર શેર કરો