મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શેરીઓથી સીધા સુપ્રીમ કોર્ટ! રાહુલ-ખડગે સહિતના દિગ્ગજો અદાલતમાં પહોંચ્યા, ચૂંટણી પંચ સામે દાખલ થઈ PIL

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બ્લોકનું આંદોલન હવે શેરીઓમાંથી દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયું છે. દેશભરના અગ્રણી વિપક્ષી નેતાઓની આગેવાનીમાં દિલ્હીમાં વિશાળ પ્રદર્શન યોજાયું હતું, જેની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ સામે એક મહત્ત્વપૂર્ણ જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં અનેક દિગ્ગજ નેતાઓ તથા તેમની સાથે હજારોની સંખ્યામાં લોકોએ પગપાળા કૂચ કરી હતી.

સુપ્રીમ કોર્ટની અંદર રાહુલ-ખડગે અને સિંઘવીની ઉપસ્થિતિ

ચૂંટણી પ્રક્રિયા, મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કમી કરવા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં કથિત અનિયમિતતાઓ સામે વિપક્ષી નેતાઓ સીધા દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત છે. તેમની સાથે કાનૂની મોરચો સંભાળવા માટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પણ હાજર છે, જેઓ અરજીના કાનૂની પાસાંઓ અને તાત્કાલિક સુનાવણીની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં PIL સત્તાવાર રીતે રજિસ્ટર:

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી હવે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટર થઈ ચૂકી છે. આ અરજીમાં ચૂંટણી પ્રક્રિયા પર સીધા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સામે કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે. આ જાહેર હિતની અરજીમાં કુલ 11 અગ્રણી નેતાઓ અરજદાર તરીકે સામેલ છે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવ, ટીએમસી નેતા સૌગત રોય, શિવસેના(UBT) નેતા સંજય રાઉત, સીપીઆઇ(એમ) નેતા એમ. એ. બેબી તેમજ સીપીઆઇ નેતા ડી. રાજા સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.

દિલ્હીના રસ્તા પર દિગ્ગજ નેતાઓનો જમાવડો

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોના અગ્રણી મુખ્યમંત્રીઓ અને ટોચના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી

દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશન ફરી કાર્યરત

વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અગાઉ કેટલાક મહત્ત્વના સ્ટેશનો બંધ કરવામાં આવ્યા બાદ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, સમગ્ર દિલ્હી મેટ્રો નેટવર્કના તમામ સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હવે મુસાફરો માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યા છે. તમામ સંબંધિત મેટ્રો સ્ટેશનો પર લાઇન બદલવા માટેની ઇન્ટરચેન્જ સુવિધા પણ સરળતાથી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કૂચની આગેવાની કરી

રાહુલ ગાંધી સહિત વિપક્ષી ગઠબંધનના 8 અગ્રણી નેતાઓ સુપ્રીમ કોર્ટ તરફ પગપાળા કૂચ કરી રહ્યા છે. આ તમામ નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચીને વ્યક્તિગત રીતે પોતાની અરજી દાખલ કરશે.

અખિલેશ યાદવ પણ જોડાયા

આ વિરોધ પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ જોડાયા હતા. તેઓ દિલ્હીના ભગવાન દાસ રોડ પર ચાલી રહેલા આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

દિલ્હીના હૃદયસમા બારાખંભા રોડ પર દેશભરમાંથી પહોંચેલા કાર્યકરોનો વિશાળ જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દીધા છે.

CJI સૂર્યકાંતે અરજી નકારી, છતાં વિપક્ષ અડગ

આ વિરોધ કૂચ પહેલાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે I.N.D.I.A. બ્લોકના સાંસદોની અરજી/વિનંતીને અસ્વીકાર કરી દીધી હતી. જોકે, આ નકાર છતાં કોંગ્રેસે પીછેહઠ કરવાને બદલે સામાન્ય જનતા અને કાર્યકરોને માર્ચમાં જોડાવા ખુલ્લી અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અને વિપક્ષના તમામ સાંસદો સુપ્રીમ કોર્ટ જશે અને ચૂંટણી પ્રક્રિયા સામે વિધિવત અરજી દાખલ કરશે.

આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામેલ થયા:

રાહુલ ગાંધી

ધર્મેન્દ્ર યાદવ

સંજય રાઉત

અરવિંદ સાવંત

મહુઆ માજી

મહુઆ મોઇત્રા

દિલ્હીના 6 મુખ્ય મેટ્રો સ્ટેશનો બંધ

સોમવારે સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી નીચેના મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે

પટેલ ચોક

જનપથ

રાજીવ ચોક

મંડી હાઉસ

સેન્ટ્રલ સેક્રેટરિએટ

બારાખંભા રોડ

કોકરોચ જનતા પાર્ટીનું પોલીસને અલ્ટીમેટમ

બીજી તરફ, આ રાજકીય ઘમસાણ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના આગેવાનો આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ તારીખ ફાળવવાની પોલીસ સમક્ષ માગણી કરી છે. સીજેપીએ દિલ્હી પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમને નિર્ધારિત તારીખ નહીં આપવામાં આવે, તો પક્ષ ફરી એકવાર મોટા પાયે પ્રદર્શનનું એલાન કરશે.

આ સમાચાર શેર કરો